મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

ઝારખંડમાં ભાજપના નેતા પર આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો

મહિલાની ફરિયાદ બાદ પોલીસે સંજય મિશ્રાની ધરપકડ કરી

રાંચી તા. ૨૭ : ઝારખંડમાં ભાજપનાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લા મીડિયા પ્રભારી સંજય મિશ્રા ઉર્ફે બુદ્ઘુ પંડિત પર આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે સંજય મિશ્રાની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા છે. જેલમાં જતા પહેલા સંજય મિશ્રાએ પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

ભાજપનાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લા મીડિયા પ્રભારી સંજય મિશ્રા ઉર્ફે બુદ્ઘુ પંડિત પર એક મહિલા ખેલાડીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે સંજય મિશ્રાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. મંગળવારે સવારે ચક્રધરપુરનાં ઈન્ચાર્જ DSP દિલીપ ખલકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સ્ટેશન ઈન્ચાર્જ પ્રવીણ કુમાર સાથે મળીને આરોપી અને પીડિતાની અલગ-અલગ પૂછપરછ કરી હતી. DSPની પૂછપરછ બાદ આરોપી સંજય મિશ્રાને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ચક્રધરપુરનાં પ્રભારી DSP દિલીપ ખલકોએ જણાવ્યું કે તપાસ દરમિયાન પ્રથમ નજરે પીડિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસને પીડિતાનો આરોપ સાચો લાગ્યો છે. પોલીસ પીડિતાનાં બાકીનાં આરોપોની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે એક મહિલા ખેલાડી દ્વારા ચક્રધરપુર પોલીસ સ્ટેશનમાં સંજય મિશ્રા પર યૌન શોષણનો આરોપ લગાવીને કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધવાની સાથે મહિલાએ ચાઈબાસા કોર્ટમાં પોતાનું નિવેદન પણ નોંધ્યું હતું. જે બાદ પોલીસે સોમવારે રાત્રે જ સંજય મિશ્રાને કસ્ટડીમાં લીધા હતા અને મંગળવારે પૂછપરછ બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. મહિલા ખેલાડીનો આરોપ છે કે એપ્રિલથી આરોપી તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ કરી રહ્યો હતો. આરોપી નેતા સંજય મિશ્રાએ મહિલા ખેલાડીની વાંધાજનક તસવીર લીધી હતી અને આ તસવીર બતાવીને તે મહિલા ખેલાડીને બ્લેકમેલ કરતો હતો.

(3:01 pm IST)