મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

નવી પાર્ટીની જાહેરાત વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહ અને અમિતભાઈ શાહ વચ્ચે ફરીવાર યોજાશે બેઠક

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વર્તમાન આંદોલનના સંભવિત ઉકેલ અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી :પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ કહ્યું છે કે તેઓ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વર્તમાન આંદોલનના સંભવિત ઉકેલ અંગે ચર્ચા કરવા ગુરુવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહને મળશે. અમરિંદર સિંહે કહ્યું કે તેઓ કેટલાક કૃષિ નિષ્ણાતો સાથે અમિત શાહને મળશે. તેમણે બુધવારે ચંદીગઢમાં મીડિયાને કહ્યું, “આવતીકાલે હું ગૃહમંત્રી શાહને મળવાનો છું અને મારી સાથે 25-30 લોકો આવશે.”

 અત્રે ઉલ્લેખનીય છે કે નવી પાર્ટીની જાહેરાત વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહ અને અમિતભાઈ શાહ વચ્ચે યોજાશે મહત્વની બેઠક યોજાશે. જો નામ અને ચિહ્ન મંજૂર થશે તો કેપ્ટન અમરિંદર સિંહ પાર્ટીની જાહેરાત કરશે.

ત્રણ કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન અંગે પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, “મને લાગે છે કે હું ઉકેલ શોધવામાં મદદ કરી શકું છું કારણ કે હું પંજાબનો મુખ્યપ્રધાન રહી ચુક્યો છું અને એક ખેડૂત પણ છું.” કેપ્ટન અમરિન્દરે કહ્યું કે જો કે ખેડૂતોના આંદોલનને ઉકેલવા માટે પૂર્વનિર્ધારિત ફોર્મ્યુલા ન હોઈ શકે, પરંતુ વાતચીતમાંથી કંઈક બહાર આવશે કારણ કે બંને પક્ષો, કેન્દ્ર સરકાર અને ખેડૂતો, કૃષિ કાયદાને કારણે ઉદ્ભવેલા સંકટનો ઉકેલ ઇચ્છે છે. કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટતા કરી કે તેમણે આ મુદ્દે કોઈ ખેડૂત નેતા સાથે બેઠક કરી નથી.

અમરિંદર સિંહે કહ્યું કે મેં આ મામલામાં જાણી જોઈને દખલ નથી કરી કારણ કે ખેડૂતો નથી ઈચ્છતા કે રાજનેતાઓ આમાં સામેલ થાય. તેમણે કહ્યું કે કેન્દ્ર સાથે ખેડૂત નેતાઓની ચાર બેઠકો અનિર્ણિત રહી છે પરંતુ અનૌપચારિક વાતચીત ચાલી રહી છે. અમરિંદર સિંહે કહ્યું છે કે ભાજપ સાથે જે પણ સંભવિત બેઠક-વહેંચણી કરાર થશે તે ખેડૂતોના હિતમાં તેમના પ્રશ્નોના ઉકેલ પર આધારિત હશે. અમરિંદર સિંહ અગાઉ ગયા મહિને અમિત શાહને મળ્યા હતા. તે સમયે અમરિંદર સિંહે કહ્યું હતું કે મેં ગૃહપ્રધાનને કૃષિ કાયદાઓ પાછા ખેંચીને, MSP આપીને અને પાક વૈવિધ્યકરણને ટેકો આપીને તાત્કાલિક સંકટને દૂર કરવા વિનંતી કરી છે.

(11:58 pm IST)