મુખ્ય સમાચાર
News of Saturday, 27th November 2021

હવે કોઇ મુસાફર ઇ-કોમર્સના માધ્યમથી ઓટો રીક્ષા બુક કરાવશે તો 5 ટકા જીએસટી લાગશે

પહેલી જાન્યુઆરી 2022થી પાંચ ટકા જીએસટીનો અમલ શરુ થશે

નવી દિલ્હી : ઇ-કોમર્સ કંપનીઓના માધ્યમથી પુરી પાડવામાં આવતી ઓટો રિક્ષા સેવા પર પહેલી જાન્યુઆરી 2022થી પાંચ ટકા જીએસટી લાગશે.  હવે કોઇ મુસાફર ઇ-કોમર્સના માધ્યમથી 100 રૂપિયામાં ઓટો રિક્ષા બુક કરાવે છે તો તેને 105 રૂપિયા ચુકવવા પડશે.

આ પહેલા નાણાપ્રધાને 18 નવેમ્બરે સ્પષ્ટતા કરી હતી કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પરિવહન સેવા બુક કરાવનાર પર જીએસટી નહી લાગે. જીએસટીમાં રેટ રેશનલાઇઝેશ અંગે રાજ્યોના નાણાપ્રધાનોની મળનારી બેઠક મુલતવી રહી છે. આ બેઠક 27મી નવેમ્બરે મળવાની હતી અને તેમા જીએસટી રેટ અને સ્લેબમાં ફેરફારો અંગે ફિટમેન્ટ સમિતિની ભલામણો પર વિચાર કરવાનો છે.

અત્યારે ઓફલાઇન કે મેન્યુઅલ મોડમાં ચાલતી ઓટોરિક્ષા ડ્રાઇવરોની પેસેન્જર સર્વિસને જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પણ જો તમે આ જ સર્વિસ ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા લીધી તો પહેલી જાન્યુઆરી 2022થી તેના પર પાંચ ટકા જીએસટી ચૂકવવો પડશે.

સરકારના પગલાની સીધી અસર ઇ-કોમર્સ ઉદ્યોગની કંપનીઓ પર પડશે. અન્સ્ટ એન્ડ યંગના ટેક્સ પાર્ટનર બિપિન સપ્રએ જણાવ્યું હતું કે ઇ-કોમર્સ પ્લટફોર્મ પર રાઇડ બુક કરાય તો 5 ટકા GSTને આ જ સર્વિસને ઓફલાઇન લેવાય તો કોઈ વેરો ન લેવામાં આવતા એક રીતે તેમાં ભેદભાવ આચરવામાં આવ્યો હોવાનું કહેવાય. આને કરવિસંગતતા પણ કહી શકાય.

(7:25 pm IST)