મુખ્ય સમાચાર
News of Saturday, 27th November 2021

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ : હજારો ખેડૂતો દિલ્હીની સરહદે પહોંચ્યા

આંદોલનને હવે ટેકાના ભાવ સહિતની અન્ય માગો ]સાથે વધુ ઉગ્ર બનાવવાનું એલાન

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરૂદ્ધમાં અને ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ સાથે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને 26મી નવેંબરે એક વર્ષ પુર્ણ થઇ ગયુ છે.

આ નિમિત્તે કેન્દ્ર સરકારે તો કૃષિ કાયદા પરત લેવાની તૈયારી શરૂ કરી દીધી છે પણ ખેડૂતોની માગ હવે ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવાની છે. જેને પગલે ખેડૂતોએ આંદોલનનું એક વર્ષ પુર્ણ થતા જાહેરાત કરી છે કે ટેકાના ભાવની માગ ન પુરી થાય ત્યાં સુધી આ આંદોલન પરત નહીં લઇએ. બીજી તરફ દિલ્હી સરહદોએ 4000થી પણ વધુ ખેડૂતો એકઠા થયા હોવાના અહેવાલો છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ આંદોલનને હાલ સમાપ્ત કરવાનો કે પાછુ લેવાનો કોઇ જ પ્લાન નથી. ટેકાના ભાવ માટે કાયદો ઘડવો જરૂરી છે અને સરકાર આ માગ ન સ્વિકારે ત્યાં સુધી આંદોલન પરત નહી લઇએ.

રાકેશ ટિકૈતે 10 દિવસ માટે ખેડૂતોને તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોએ તૈયાર રહેવાનું છે. યુપી ગેટ પર ખેડૂતોને સંબોધતા રાકેશ ટિકૈતે કહ્યું કે 750 ખેડૂતો આંદોલનમાં શહીદ થયા છે અને હજારો ખેડૂતો સામે કેસ ચાલી રહ્યા છે. જેનો હિસાબ કોણ આપશે?

ટિકૈતે કહ્યું કે ટેકાના ભાવની કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ખેડૂતો લૂંટાતા રહેશે. 27મી નવેંબરના રોજ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક યોજાવા જઇ રહી છે જેમાં આગામી પગલા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્વરાજ પાર્ટીના નેતા અને સંયુક્ત કિસાન મોર્ચાના નેતાઓમાં સામેલ યોગેન્દ્ર યાદવ પણ દિલ્હી યુપી ગેટ પર પહોંચ્યા હતા.

અહીં ખેડૂતો દ્વારા ટેકાના ભાવની માગ સાથે આંદોલન ચાલુ છે જ્યારે દિલ્હીની અન્ય સરહદોએ પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હાલ દિલ્હી-હરિયાણાના સિંઘુ તેમજ ટીકરી બોર્ડર પર આંદોલનકારી ખેડૂતોની સંખ્યા 4000થી પણ વધુ થઇ ગઇ છે. તેથી ખેડૂતો હવે આગામી આંદોલનની તૈયારી કરી રહ્યા હોવાની શક્યતાઓ છે જેમાં તેમની મુખ્ય માગણી હવે ટેકાના ભાવની કાયદેસર માન્યતા રહેશે.

બીજી તરફ દિલ્હીની સરહદોએ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. હાથમાં પોતાના સંગઠનના ઝંડા સાથે અનેક ખેડૂતો ઉમટી પડયા હતા. ખેડૂતોએ 26મી નવેમ્બર 2020ના રોજ પોતાની વિવિધ માગો સાથે સરકાર સામે આંદોલન શરૂ કર્યું હતું જેને એક વર્ષ પુરૂ થઇ ગયું છે. માત્ર દિલ્હી બોર્ડર જ નહીં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ખેડૂતોએ મહાપંચાયતો બોલાવીને આંદોલનના એક વર્ષની ઉજવણી કરી હતી.

સાથે આ આંદોલનને હવે ટેકાના ભાવ સહિતની અન્ય માગો સાથે વધુ ઉગ્ર બનાવવાનું એલાન પણ કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટિકરી અને સિંઘુ બોર્ડર પર આવી હતી. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ખેડૂતોનું આ આંદોલન ભાજપના ઘમંડ તરીકે યાદ રાખવામાં આવશે. ખેડૂતોના આ સત્યાગ્રહમાં 700 ખેડૂતો શહીદ થઇ ગયા છે.

ખેડૂતોના આ આંદોલન વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ માગણી કરી છે કે ખેડૂતોની સામે કાર્યવાહી કરવામાં આવે કેમ કે ખેડૂતો અને તેમના નેતાઓ ફરી ગયા છે. તેમણે કહ્યું કે ખેડૂત નેતાઓ કહેતા હતા કે જ્યાં સુધી કૃષિ કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી ઘરે પરત નહીં જઇએ, હવે જ્યારે સરકારે કાયદા પરત લઇ લીધા પણ ખેડૂતો હજુ પણ આંદોલન ચલાવી રહ્યા છે. માટે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

(7:29 pm IST)