મુખ્ય સમાચાર
News of Saturday, 27th November 2021

ખામી સર્જાતા ગોએરના વિમાનનું નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ

વિમાન બેંગલોરથી પટણા જઈ રહ્યું હતું : વિમાનનુ સુરક્ષિત રીતે લેન્ડિંગ થયુ હતું, હવે મુસાફરોને અન્ય વિમાન મારફતે પટણા પહોંચાડવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૭ : બેંગ્લોરથી પટણા જઈ રહેલા ગો એરના એક વિમાનના એન્જિનમાં સર્જાયેલી ખામીના કારણે વિમાનનુ નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. વિમાનનુ લેન્ડિંગ સુરક્ષિત રીતે થયુ છે અને તેમાં સવાર ૧૩૯ મુસાફરો હેમખેમ હોવાનુ એરપોર્ટના અધિકારીએ કહ્યુ હતુ.મળતી વિગતો પ્રમાણે ગો એર વિમાનના પાયલોટે નાગપુર એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરીને કહ્યુ હતુ કે, વિમાનના એન્જિનમાં સમસ્યા છે અને તેનુ ઈમરજન્સી લેન્ડિંગ કરવુ જરુરી છે.એ પછી વિમાનને તાત્કાલિક નાગપુર એરપોર્ટ પર લેન્ડિંગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

બીજી તરફ એરપોર્ટ પર તમામ ઈમરજન્સી સેવાઓને તૈયાર રાખવામાં આવી હતી.એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ડોકટરોની ટીમ પણ હાજર રાખવામાં આવી હતી.સદનસીબે વિમાનનુ સુરક્ષિત રીતે લેન્ડિંગ થયુ હતુ. હવે આ મુસાફરોને અન્ય વિમાન મારફતે પટણા પહોંચાડવામાં આવશે.

(7:51 pm IST)