મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

મેરઠ જિલ્લાના મોતીપુર સુગર મિલમાં આગ ભભૂકી :એક એન્જિનિયિરનું મોત

સુગર મિલમાં લાગેલી આગના કારણે ટર્બાઇન સહિતના અનેક સાધનો પણ બળીને ખાખ થઇ ગયા

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના મોતીપુર સુગર મિલમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ આગમાં એક એન્જિનિયિરનું મોત નિપજ્યું છે.

 પ્રાપ્ત માહિતી પ્રમાણે મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત મોહદ્દીનપુર સુગર મિલમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના પગલે આગના ગોટેગોટા આકાશમાં જોવા મળતા આસપાસના લોકો અને કામદારો સુગર મિલ તરફ દોડી ગયા ત્યારે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. મેરઠ જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાએ કહ્યું કે આ મામલાની તપાસ માટે કરનાલથી એક ટીમ આવી રહી છે. આ ટીમની તપાસ કર્યા બાદ ટીમ નક્કી કરશે કે મિલ શરૂ કરી શકાય કે નહીં. જો મિલ ચાલુ નહીં થાય તો ખેડૂતોની શેરડી અન્ય મિલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ફેક્ટરીમાં રાખવામાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુગર મિલમાં લાગેલી આગના કારણે ટર્બાઇન સહિતના અનેક સાધનો પણ બળીને ખાખ થઇ ગયા હતા.

(12:44 am IST)