મુખ્ય સમાચાર
News of Saturday, 28th January 2023

અદાણી ગ્રુપનું સામ્રાજય હલબલ્‍યું: ૧૦૬ પાનાનો રિપોર્ટ બન્‍યો ટાઇમ બોંબઃ ૧.૮૪ લાખ કરોડનો ધુંબો

શ્રીમંતોની રેસમાં પણ પછડાયા

નવી દિલ્‍હી, તા.૨૮: જાન્‍યુઆરી ૨૦૨૩ના શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું, પરંતુ અચાનક જ ભૂકંપ આવ્‍યો જેણે ગૌતમ અદાણીના સામ્રાજ્‍યને હચમચાવી નાખ્‍યું. અમેરિકાના આ અહેવાલને કારણે ગૌતમ અદાણીની મિલકતમાં ધોવાણ થયું. તે ની સંપત્તિ સતત ઘટી રહી છે. ફોર્બ્‍સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં એક સમયે ઈલોન મસ્‍કને પછાડનાર ગૌતમ અદાણી આજે પોતાની જાતને સરકી રહ્યો છે. ૨૭ જાન્‍યુઆરીએ તેમની સંપત્તિ $૨૨.૭ બિલિયન ઘટીને $૯૬.૫ બિલિયન પર પહોંચી ગઈ છે. તેમની સંપત્તિમાં ૧૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

અમેરિકન રિસર્ચ કંપની ફર્મ હિંડનબર્ગ રિપોર્ટે ૨૪ જાન્‍યુઆરીના રોજ ૧૦૬ પાનાનો અહેવાલ બહાર પાડ્‍યો હતો. આ અહેવાલે અદાણી જૂથની ઊંઘ હરામ કરી દીધી હતી. બે દિવસમાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. ૨.૩૭ લાખ કરોડ ઘટયું હતું. એટલું જ નહીં ગૌતમ અદાણીની સંપત્તિ ૧૦૦ બિલિયન ડોલરના આંકડાથી નીચે આવી ગઈ છે. ફોર્બ્‍સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સમાં ગૌતમ અદાણી સાતમા સ્‍થાને આવી ગયા છે.

આ અહેવાલ આવતાં ખળભળાટ મચી ગયો છે. અદાણી ગ્રુપના શેર ઘટી રહ્યા છે. માત્ર ૨૪ કલાકમાં તેમની સંપત્તિમાં ૧૮ ટકાનો ઘટાડો થયો છે. અદાણીને એક દિવસમાં ૧ લાખ ૮૪ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટાડા બાદ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને $૯૮.૬ બિલિયન થઈ ગઈ છે. અદાણી ગ્રુપના શેરમાં ૧૦ થી ૨૦ ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્‍સમિશનના શેરમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. વાસ્‍તવમાં ફોરેન્‍સિક ફાઇનાન્‍શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપની કંપનીઓ પર ઘણું દેવું છે. કંપનીએ તેના શેરનું મૂલ્‍ય ૮૫% કરતા વધારે કર્યું છે. તેઓએ શેરમાં હેરાફેરી કરી છે. એટલું જ નહીં, કંપનીએ હિસાબમાં છેતરપિંડી કરી છે. જોકે અદાણી ગ્રુપ આ અહેવાલને ખોટો અને પાયાવિહોણો ગણાવી રહ્યું છે.

(10:50 am IST)