મુખ્ય સમાચાર
News of Saturday, 28th January 2023

યહૂદી મંદિરમાં ગોળીબારમાં સાતનાં મોત, ૧૦ ઘાયલ

જેરૃસલેમમાં એક બંદૂકધારીનો અંધાધૂંધ ગોળીબાર : હુમલાખોરને ઠાર મરાયો, ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો

જેરુસલેમ, તા.૨૮  : જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં ૭ લોકો મૃત્યુ પામી ગયા છે અને ૧૦ લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો.

શરૃઆતમાં ઈઝરાયયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા ૫ જણાવી હતી અને કહ્યું હતું કે ૫ લોકો ઘવાયા છે પણ પછીથી આંકડો વધતો ગયો હતો. ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં એક ૭૦ વર્ષીય મહિલા પણ સામેલ હતી. ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.

ઈઝરાયલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહૂદી ક્ષેત્રના નેવ યોકોવમાં થયો હતો. ગાઝામાં હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ છે. આ હુમલાની પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદીઓએ પ્રશંસા કરી હતી પણ હુમલાનો દાવો નથી કર્યો જ્યારે અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી.

(7:39 pm IST)