મુખ્ય સમાચાર
News of Saturday, 28th January 2023

અશ્વેતની હત્યા કેસમાં પાંચ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો કેસ નોંધાયો

ટેનેસીમાં અશ્વેતની માર મારીને હત્યાનો કેસ : મેમ્ફિસ પોલીસ વિભાગ દ્વારા ઘટનાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં મેમ્ફિસ પોલીસ અધિકારીઓની અશ્વેત વ્યક્તિ પ્રત્યેની નફરત જોવા મળી

૭વોંશિગ્ટન, તા.૨૮ : અમેરિકાના ટેનેસી રાજ્યમાં અશ્વેત વ્યક્તિની માર મારીને હત્યા કરવા બદલ પાંચ પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના જ્યોર્જ ફ્લોયડની ઘટનાની યાદ અપાવે છે. મેમ્ફિસ પોલીસ વિભાગ દ્વારા શુક્રવારે આ ઘટનાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં મેમ્ફિસ પોલીસ અધિકારીઓની અશ્વેત વ્યક્તિ પ્રત્યેની નફરત જોવા મળી રહી હતી. વીડિયોમાં મેમ્ફિસના પાંચ પોલીસકર્મીઓ મૃત ટાયર નિકોલ્સને નિર્દયતા પૂર્વક માર મારતા નજર આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે 'મેં ટાયર નિકોલ્સ સાથે કરવામાં આવેલ મારપીટનો વીડિયો જોયો અને 'હું ખૂબ જ દુઃખી છું કે એક નિર્દોષને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.'

વાયરલ વીડિયો ૩ મિનિટનો છે જ્યારે પોલીસે જાહેર કરેલો વીડિયો ૧ કલાકનો છે. જેમાં મેમ્ફિસના ૫ પોલીસ અધિકારીઓ ૨૯ વર્ષીય ટાયર નિકોલ્સને નિર્દયતાથી માર મારતા નજર આવી રહ્યા છે. નિકોલ્સના મૃત્યુના કારણે સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદરેશન કરવામાં આવી રહ્યું છે. મૃતકના પરિજનોએ સમર્થકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા વિનંતી કરી છે.

રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઘટના પર ટ્વીટ કર્યું અને તેમણે લખ્યું- 'મારું હૃદય મેમ્ફિસ અને સમગ્ર દેશમાં ટાયર નિકોલ્સ અને અમેરિકનોના પરિવાર માટે છે જેઓ આ ખૂબ જ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. એક વહાલા બાળક અને યુવાન પિતાને ગુમાવવાના દુઃખને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. તેમણે આંદોલનકારીઓને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા આહવાન કર્યું છે.

જ્યોર્જ ફ્લોયડ આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક હતા. વાસ્તવમાં એક દુકાનદારે જ્યોર્જ વિરુદ્ધ નકલી નોટનો ઉપયોગ કરવા બદલ પોલીસમાં ફરિયાદ કરી હતી. જ્યારે જ્યોર્જે આ વાતનો ઈક્નાર કર્યો તો પોલીસે તેને જમીન પર પછાડી દીધો હતો અને ત્યારબાદ ફ્લોયડની ગરદન ૯ મિનિટ ૨૯ સેકન્ડ સુધી સતત દબાવી રાખવામાં આવી હતી જેના કારણે તેનું મોત થઈ ગયુ હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. ફ્લોયડ સતત કહી રહ્યો હતો કે હું શ્વાસ નથી લઈ શકતો. આ ઘટના બાદ અમેરિકન પોલીસની ઘણી ટીકા થઈ હતી. રંગભેદ અને જાતિવાદ સામે દેશવ્યાપી વિરોધ થયો હતો. લોકોએ ‘Black Lives Matter’ના પોસ્ટર સાથે રંગભેદ સામે જોરદાર વિરોધ કર્યો હતો.

 

(7:39 pm IST)