મુખ્ય સમાચાર
News of Saturday, 28th May 2022

રાજ્‍યસભા ચૂંટણી : અડધીથી વધુ બેઠકો પર ઉમેદવાર બદલવાના મૂડમાં ભાજપ

રાજયસભાની ૫૭ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપે જીતેલી લગભગ અડધી બેઠકો પર નવા ચહેરા લાવી શકે છે : ભાજપના ૨૫ સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે, જયારે તે લગભગ ૨૨ બેઠકો જીતી શકે છે

નવી દિલ્‍હી તા. ૨૮ : રાજયસભાની ૫૭ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ જીતેલી લગભગ અડધી બેઠકો પર નવા ચહેરા લાવી શકે છે. ભાજપના ૨૫ સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે, જયારે તે લગભગ ૨૨ બેઠકો જીતી શકે છે. પાર્ટીના કેન્‍દ્રીય નેતૃત્‍વએ ઉમેદવારોને લઈને વિવિધ રાજયો સાથે મસલત કરી છે. તેઓ એક-બે દિવસમાં તેમના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. નોંધણી માટેની છેલ્લી તારીખ ૩૧ મે છે.
રાજયસભાની બેઠકો માટે ૧૦ જૂને મતદાન થવાનું છે. ભાજપ મધ્‍ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્‍થાન, ઝારખંડ, બિહાર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ રાજયોની વિધાનસભાઓમાં પાર્ટીની સ્‍થિતિને જોતાં સીટો જીતવાની સ્‍થિતિમાં છે. જે અગ્રણી નેતાઓનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં રાજયસભામાં ગૃહના નેતા, કેન્‍દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, કેન્‍દ્રીય પ્રધાન મુખ્‍તાર અબ્‍બાસ નકવી અને કેન્‍દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે. તે બધાને રાજયસભામાં પાછા લાવવામાં આવશે, જોકે કેટલાક તેમના રાજયોમાં ફેરફાર કરશે.
ઉત્તર પ્રદેશની ૧૧ બેઠકોમાંથી ભાજપ ૮ બેઠકો જીતી શકે છે. અહીં ભાજપના ૫ સભ્‍યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ ૮ બેઠકો માટે પાર્ટીમાં એક ડઝનથી વધુ અગ્રણી નામો ચર્ચામાં છે. જેમાં પૂર્વ ઉપમુખ્‍યમંત્રીઓ દિનેશ શર્મા, લક્ષ્મીકાંત વાજપેયી, પ્રિયંકા રાવત, જયપ્રકાશ નિષાદ સહિત વર્તમાન સાંસદો ઝફર ઈસ્‍લામ, સંજય સેઠ, સુરેન્‍દ્ર નાગર અને શિવ પ્રતાપ શુક્‍લાના નામ સામેલ છે. હરિયાણાની એક સીટ પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્‍યંત ગૌતમના નામની ચર્ચા થઈ રહી છે. પાર્ટીએ ઉત્તરાખંડની સીટ માટે નામ નક્કી કરવાનું બાકી છે, જયાં પૂર્વ મુખ્‍યમંત્રી ત્રિવેન્‍દ્ર સિંહ રાવત મોટા દાવેદાર છે.
બિહારમાં ભાજપને બે બેઠકો મળવાની સંભાવના છે. તેમના માટે એક ડઝન નામોની ચર્ચા છે. પાર્ટી અહીં સામાજિક સમીકરણોને ધ્‍યાનમાં રાખીને ટિકિટ નક્કી કરશે. ભાજપને મધ્‍યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો જયારે રાજસ્‍થાન અને ઝારખંડમાં એક-એક બેઠક મળવાની શક્‍યતા છે.
સૂત્રોના જણાવ્‍યા અનુસાર ઘણા રાજયોએ સ્‍થાનિક નેતાને તેમના પક્ષમાંથી ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. આવી સ્‍થિતિમાં પક્ષ વિવિધ સમીકરણોને ધ્‍યાનમાં રાખીને ઉમેદવારનું નામ નક્કી કરશે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, કેન્‍દ્રીય નેતૃત્‍વએ તમામ સંભવિત વિજેતા બેઠકો માટે ઉમેદવારોના નામ પર વિચાર-વિમર્શનું કામ પૂર્ણ કરી લીધું છે અને એક-બે દિવસમાં યાદી જાહેર કરવામાં આવશે. જેઓ નોમિનેટ થવાના છે તેમને બે દિવસ અગાઉ જાણ કરવામાં આવશે જેથી તેઓ તૈયારી કરી શકે.

 

(10:05 am IST)