મુખ્ય સમાચાર
News of Saturday, 28th May 2022

નદીમાં ફેંકી દેવાયેલી ૧.૩ કરોડની BMW X6 કાર મળી

પોલીસે પૂછ્યું તો માલિકે આપ્યું ચોંકાવનારું કારણ : કારના માલિકની માતાનું અવસાન થતાં તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો, અને તેણે આવેશમાં આ કૃત્ય કર્યું હતું

 બેંગલુરુ, તા.૨૮ : એક ચોંકાવનારી ઘટનામાં પોલીસને નદીમાં ફેંકી દેવાયેલી ૧.૩ કરોડ રુપિયાની એક્સ શોરુમ પ્રાઈસ ધરાવતી BMW X6 કાર મળી આવી છે. નદીના પાણીમાં ડૂબી ગયેલી આ કાર અંગે મેસેજ મળતા પોલીસને કંઈક અજૂગતું થયું હોવાની શંકા ગઈ હતી. જ્યારે તરવૈયાને કાર ચેક કરવા માટે મોકલાયા ત્યારે તેમાં કોઈ ના હોવાનો ખુલાસો થતાં પોલીસે રાહતનો શ્વાસ તો લીધો હતો, પરંતુ આ કાર આખરે નદીમાં કોણ નાખી ગયું તે સવાલ પોલીસને ગૂંચવી રહ્યો હતો. આ મામલે જ્યારે તપાસ શરુ કરવામાં આવી ત્યારે જે હકીકત સામે આવી તે પોલીસ માટે પણ ચોંકાવનારી હતી. કર્ણાટકમાં બનેલી આ ઘટનામાં બેંગલુરુથી ૧૦૦ કિમી દૂર આવેલા માંડ્યા જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદીમાંથી મળી આવેલી આ મોંઘીદાટ કાર બેંગલુરુના એક વ્યક્તિની હતી. જે પોતે જ કારને નદી સુધી લાવ્યો હતો અને ત્યારબાદ તેણે જ તેને તેમાં ડૂબાડી દીધી હતી. પોલીસનું કહેવું છે કે, કારના માલિકની માતાનું આકસ્મિક અવસાન થતાં તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો, અને તેણે આવેશમાં આવી જઈને આ કૃત્ય કર્યું હતું. જે જગ્યાએ કારને ડૂબાડવામાં આવી હતી ત્યાંના સ્થાનિક માછીમારો અને ગ્રામજનોએ તેની છતનો ભાગ જોતા જ પોલીસને આ અંગે માહિતી આપી હતી. શરુઆતમાં એવી શંકા હતી કે કાર અકસ્માતનો ભોગ બની હશે કે પછી કોઈએ કારચાલકની હત્યાના પ્રયાસમાં તેને ડૂબાડી દીધી હશે, પરંતુ કારમાંથી કોઈ ડેડબોડી ના મળતા પોલીસને પણ નવાઈ લાગી હતી.

આખરે પોલીસે કારના રજિસ્ટર્ડ નંબરના આધારે તેના માલિકને થોડા જ સમયમાં શોધી કાઢ્યો હતો અને તેને જ્યાં કાર ડૂબાડવામાં આવી હતી ત્યાં લવાયો હતો. જોકે, પોલીસે તેની પ્રારંભિક પૂછપરછ કરી ત્યારે કારમાલિકે ગોળગોળ જવાબ આપ્યા હતા, અને તેની માનસિક સ્થિતિ પણ બરાબર નહોતી લાગી રહી. આખરે તેના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેમણે પોલીસને જણાવ્યું હતું કે, કારનો માલિક તેની માતાના આકસ્મિત અવસાનથી ડિપ્રેશનમાં સરી પડ્યો છે અને તેની સ્થિતિ અત્યારે બરાબર નથી. કારમાલિકના પરિવારજનોની વાત સાંભળ્યા બાદ પોલીસે તેને ઘરે જવાની મંજૂરી આપી હતી. આખરે આ પરિવાર જ કારને ટૉ કરીને બેંગલુરુ લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધાવાઈ.

(7:45 pm IST)