મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

દેશના ખેડુતો પર 16.8 લાખ કરોડનું તોતિંગ દેવું : ગુજરાતના ખેડૂતો પર 90695 કરોડનું દેવું: નાબાર્ડ

સૌથી વધુ દેવાના બોજા તળે દબાયેલા ખેડૂતોવાળા રાજ્યોમાં તમિલનાડુ સૌથી ઊપર: તમિલનાડુના ખેડૂતો પર 1.89 લાખ કરોડનું દેવું

નવી દિલ્હીઃ મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્‍ય નક્કી કર્યો છે જો કે વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ઉલટાનું જગતના તાત ગણાતા ખેડૂતોના માથે જંગી દેવુ છે. એક પ્રાથમિક અહેવાલ મુજબ દેશના ખેડૂતો પર 17 લાખ કરોડ રૂપિયાનું તોતિંગ દેવુ છે. ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તેમ છતાં ખેડૂતો હજી પણ જંગી દેવાના બોજ તળે દબાયેલા છે જે બહુ ચિંતાજનક બાબત છે

આ અંગે લેખિતમાં પ્રતિક્રિયા આપતા નાણા રાજ્ય મંત્રી ભાગવત કિશનરાવ કરાડે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારની ખેડૂતોની લોન માફી અંગે કોઈ યોજના નથી. નબાર્ડના ડેટા મુજબ હાલમાં દેશના ખેડુતો પર 16.8 લાખ કરોડનું દેવું છે.

આ સાથે સરકારે સંસદમાં ખેડૂતોના દેવાને લગતા સંપૂર્ણ ડેટા પણ રજૂ કર્યા, જેમાં તમામ રાજ્યોના ખેડુતો પરના લોનની બધી માહિતી ઉપલબ્ધ છે. આ દસ્તાવેજ મુજબ તમિલનાડુ સૌથી વધુ દેવાના બોજા તળે દબાયેલા ખેડૂતોવાળા રાજ્યોમાં તમિલનાડુ સૌથી ઊપર છે. તમિલનાડુના ખેડૂતો પર 1.89 લાખ કરોડનું દેવું છે.

નબાર્ડના માર્ચ મહિનામાં જાહેર થયેલા અહેવાલ મુજબ ગુજરાતના ખેડૂતો પણ દેવાના ભાર તળે દબાયેલા છે. રાજ્યના ખેડૂતો પર માર્ચ 2021 સુધીમાં 90695.25 કરોડ રૂપિયાનું દેવું હતું. આ દેવું 43,45,798 ખાતાધારક પર છે.

(12:41 am IST)