મુખ્ય સમાચાર
News of Wednesday, 28th July 2021

પ્રદૂષણના કારણે પણ ફેલાય છે કોરોના વાયરસ

મહામારીની શારીરિક અસર, આર્થિક અસર, માનસિક અસર અને મહામારી ફેલાવા પાછળના કારણો અંગે થયેલા અભ્‍યાસમાં અવનવા તારણો સામે આવી રહ્યા છે

 

નવી દિલ્‍હી,તા. ૨૮: કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી વિશ્વ ધ્રૂજી રહ્યું છે. મહામારીને રોકવા અને સમજવા માટે અત્‍યાર સુધીમાં અનેક સંશોધનો થઈ ચૂક્‍યા છે. મહામારીની શારીરિક અસર, આર્થિક અસર, માનસિક અસર અને મહામારી ફેલાવા પાછળના કારણો અંગે થયેલા અભ્‍યાસમાં અવનવા તારણો સામે આવી રહ્યા છે. ત્‍યારે તાજેતરમાં Journal of Exposure Science and Environmental Epidemiologyમાં પ્રકાશિત થયેલા નવા અભ્‍યાસમાં વૈજ્ઞાનિકોની ટીમે કોરોના વાયરસ ફેલાવા પાછળ પ્રદુષણ પણ જવાબદાર હોવાનો દાવો કર્યો છે. જેમ જેમ પ્રદુષણ વધ્‍યું તેમ તેમ મહામારીને પગદંડો જમાવવાની તક મળી હોવાનું વૈજ્ઞાનિકોનું કહેવું છે.

આ સંશોધન Desert Research Institute દ્વારા કરાયું હતું. સંશોધન કરનાર વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ danial kiser જણાવે છે કે, આ સંશોધનમાં નેવાડાના રેનો વિસ્‍તારને સામેલ કરાયો હતો. આ વિસ્‍તારમાં કેલિફોર્નિયા ખાતે ફાટી નીકળેલા દાવાનળ દરમિયાન બહોળા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયું હતું. હવે જયાં પ્રદૂષણનું સ્‍તર વધુ હતું, ત્‍યાં કોરોનાનો પોઝિટિવિટી રેટ પણ વધી ગયો હતો. આ વિસ્‍તારમાં પ્રદૂષણ વધતું હતું, ત્‍યારે કોરોનાના કેસમાં ૧૮ ટકાનો ઉછાળો જોવા મળ્‍યો હતો.

Reno Gazette Journal સાથેની વાતચીતમાં ડેનિયલ કાઇઝરે આશા વ્‍યક્‍ત કરી છે કે, આ રિસર્ચના પરિણામ જોયા બાદ લોકો રસીકરણ કરાવશે અને માસ્‍ક પહેરીને પોતાને વાયરસથી બચાવશે. પશ્ચિમ અમેરિકામાં આ વખતે ૮૦ ટકાથી વધુ દાવાનળના કેસ જોવા મળ્‍યા છે. તેના કારણે ધુમાડો અને પ્રદુષણ ન્‍યુયોર્ક સુધી પહોંચ્‍યા બાદ કોરોના કેસમાં વધારો નોંધાયો હતો. આ સંશોધન માટે વૈજ્ઞાનિકોએ Washoe County Health District and Renown Health પાસેથી ડેટા મેળવ્‍યો હતો. દાવાનળ દરમિયાન ૨.૫ માઈક્રોમીટરથી નાના અણુઓ વાતાવરણમાં તરી રહ્યા હતા. આ અણુઓ વચ્‍ચે નવા પ્રકારનો કોરોના વાયરસ મળી આવ્‍યો હતો.

આ અભ્‍યાસમાં ઘણા નિષ્‍ણાંતો સામેલ થયા હતા. જેમાંથી University of Californiaના વાયુ પ્રદૂષણના નિષ્‍ણાંત Kent Pinkertonનું કહેવું છે કે, વધુ તાપમાન, ભેજ, વાયુ પ્રદુષણ અને આબોહવા પરિવર્તન જેવી વસ્‍તુઓ કોરોના કેસને વધારવામાં મદદ કરે છે. પ્રદૂષણના નાના કણોના કારણે કોરોના વાયરસ માટે શ્વાસ દ્વારા શરીરમાં પહોંચવું સરળ બને છે. તુર્કીમાં આ અંગે સંશોધન પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં વાયુ પ્રદૂષણ સાથે કોરોના વચ્‍ચેનો સંબંધ સ્‍થાપિત થયો હતો.

આ ઉપરાંત અભ્‍યાસમાં વધુ જણાવાયું હતું કે, જંગલમાં લાગેલી આગથી થતાં પ્રદૂષણને કારણે અમેરિકામાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. આવી સ્‍થિતિમાં વિશ્વમાં અન્‍ય સ્‍થળોએ પણ વાયુ પ્રદૂષણને લીધે કોરોના વાયરસને વધવાની તક મળશે.

(10:37 am IST)