મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

કોરોનાએ સતત બીજા દિવસે રેકોર્ડ તોડયોઃ ૨૪ કલાકમાં ૭૭,૨૬૬ નવા કેસ, ૧૦૫૭ દર્દીનાં મોત

કોવિડ-૧૯ના સંક્રમણનો સામનો કરતાં ૬૧,૫૨૯ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો, ૭.૪૨ લાખ એકિટવ કેસ

નવી દિલ્હી, તા.૨૮: કોરોના વાયરસના સંક્રમણનો પ્રકોપ ભારતમાં દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. શુક્રવારે કોરોના વાયરસે અગાઉના તમામ રેકોર્ડ તોડી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૭૭,૨૬૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૦૫૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩૩,૮૭,૫૦૧ થઈ ગઈ છે.

 ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨૫ લાખ ૮૩ હજાર ૯૪૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૭,૪૨,૦૨૩ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૬૧,૫૨૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ ૩,૯૪,૭૭,૮૪૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના દિવસે ૨૪ કલાકમાં ૯,૦૧,૩૩૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 બીજી તરફ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના ૧૧૯૦ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૧૯૩ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૧૭ દર્દીના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૨૯૬૪ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૨૫૮ કેસ નોંધાયા છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૯૧,૩૨૯ છે.

જેમાંથી એકિટવ કેસ ૧૪,૮૬૪ છે. આજે રાજયમાં કુલ ૭૬,૨૨૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં અત્યારે કુલ ૧૪,૮૬૪ દર્દીઓ એકિટવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૯૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજયમાં ૧૪,૭૭૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાંથી અત્યાર સુધીમાં ૭૩,૫૦૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજયમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં ૨૫૮, અમદાવાદમાં ૧૬૩, વડોદરામાં ૧૨૩, રાજકોટમાં ૯૬, જામનગરમાં ૮૯, ભાવનગરમાં ૫૧, અમરેલીમાં ૩૦, પંચમહાલ, ગાંધીનગરમાં ૨૮-૨૮, કચ્છમાં ૨૭, મોરબીમાં ૨૪, ભરૂચ, મહેસાણામાં ૨૧-૨૧, દાહોદમાં ૧૯ સહિત કુલ ૧૧૯૦ નવા કેસ નોંધાયા છે.

(11:08 am IST)