મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

રિસર્ચમાં બહાર આવેલા ચોંકાવનારા તારણો

કોરોના વાયરસ ફરીથી શિકાર બનાવી શકે છે : શરીરમાં માત્ર ૫૦ દિવસ સુધી રહે છે એન્ટી બોડી

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના વાયરસથી વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી આ વાયરસને કારણે અઢી કરોડ લોકો સંક્રમિત થયા છે અનેક દેશોમાં એવા પણ સામે આવ્યા છે જ્યાં લોકો ફરીથી કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠે છે કે, આખરે એક વખત પોઝિટિવ થયા બાદ લોકોના શરીરમાં કેટલા દિવસો સુધી એન્ટી બોડી બની રહે છે. એટલે કે કયાં સુધી તે ફરીથી આ વાયરસના આક્રમણથી બચી શકે છે. આને લઇને વિશ્વભરના વૈજ્ઞાનિક અને ડોકટરો રિસર્ચ કરી રહ્યા છે. હવે એક નવા રિસર્ચથી જાણવા મળ્યું છે કે માત્ર ૫૦ દિવસ બાદ એન્ટી બોડી શરીરમાંથી સમાપ્ત થાય છે. જો કે પહેલા એવા દાવા થતા હતા કે ત્રણ મહિના સુધી શરીરમાં એન્ટી બોડી રહે છે.

મુંબઇની જેજે હોસ્પિટલે અભ્યાસ કર્યો હતો. જેમાં કોરોનાથી સાજા થયેલા ૮૦૧ સ્ટાફને સામીલ કરાયા હતા. આ બધાને ૭ સપ્તાહ પહેલા એપ્રિલ અને મે માં કોરોના થયો હતો. રિસર્ચ કરનાર ડોકટર નિશાંતકુમારના જણાવ્યા પ્રમાણે ૨૮ લોકોના આરટી અને પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા અને કોઇપણમાં એન્ટી બોડી જવા ન મળી.

રિસર્ચ હેઠળ હોસ્પિટલમાં ૩૪ એવા લોકોનો ટેસ્ટ કરાયો જેમને ૩ થી ૫ સપ્તાહ પહેલા કોરોના થયો હતો. આમાંથી ૯૦ ટકા લોકોમાં જણાયું કે ૫માં સપ્તાહમાં એવું જણાયું હતું કે, તેઓમાં માત્ર ૩૮.૮ ટકા એન્ટી બોડી બચી હતી.

નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓના શરીરમાં એન્ટી બોડી બહું લાંબા સમય સુધી નથી રહેતી. આ તથ્ય કોરોનાનો ઇલાજની રીત નક્કી કરનારા અને ખાસ કરીને તેની વેકસીન તૈયાર કરનારા અને લોકોને તે લગાડવાની રણનીતિ બનાવામાં નિર્ણાયક સાબિત થઇ શકે છે.

એન્ટી બોડી આપણા શરીરની પ્રતિરોધક પ્રણાલિનું મહત્વનું અંગ હોય છે.

(11:40 am IST)