મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

ભારતમાં ૧૦૦થી વધારે જગ્યાએ આતંકવાદી હુમલાનું આઇએસનું ષડયંત્ર

નવી દિલ્હી, તા. ર૮ : આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) દ્વારા ભારતમાં આતંકવાદી હુમલાના ઇન્પુટસ હજુ પણ છે. સીએએ-એનઆરસી, કલમ ૩૭૦ અને રામમંદિરના લીધે આઇએસ બહુ ગભરાયેલ છે. આઇ.એસ.ની આખા ભારતમાં લગભગ ૧૦૦ જગ્યાઓએ એક સાથે ધડાકાઓ કરવાનું ષડયંત્ર હતું.

માર્ચ મહિનામાં દિલ્હીના જામીયાનગરના આતંકવાદી જહાંજેબ અને તેની પત્ની હિનાએ આઇ.એસ.ના આ ષડયંત્રનો ખુલાસો કર્યો હતો અને હવે અબુ યુસુફે પણ આવો જ સંકેત આપ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ અબુ યુસુફના બે મોબાઇલ ફોરેન્સીક તપાસ માટે મોકલશે. જેથી ખબર પડે કે તે કોની કોની સાથે ચેટીંગ અને ટેલીગ્રામ કોલિંગ કરતો હતો.

સ્પેશ્યલ સેલના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ગુપ્તચર વિભાગ પાસે આઇ.એસ. દ્વારા હુમલો કરાવવાના પણ ઇન્પુટસ છે. અબુ યુસુફની પૂછપરછમાં તેની પુષ્ટિ થઇ છે. અબુ યુસુફે જણાવ્યું કે ભારતમાં આઇ.એસ. લોન વુલ્ફ એટેકનું ષડયંત્ર રચી રહ્યું છે. સ્પેશ્યલ સેલના એક અધિકારીએ જણાવ્યું કાશ્મીર નિવાસી આઇ.એસ.ના આતંકવાદી જહાંજેબના મોબાઇલ ફોનનો જયારે ફોરેન્સીક રીપોર્ટ આવ્યો તો જાણવા મળ્યું કે તે થ્રીમા ગ્રુપ પર ચેટીંગ કરતો હતો.

જહાંજેબ ગ્રુપ પર તિહાર જેલમાં બંધ આઇ.એસ.ના આતંકવાદી અબ્દુલ્લા બાસિત અને અફઘાનિસ્તાનમાં આઇ.એસ.ના ભારત ચીફ સાથે ચેટીંગ કરતો હતો. ભારત ચીફ અને અબ્દુલ્લા બાસિતે ચેટીંગમાં જહાંજેબને લખ્યું હતું કે આખા ભારતમાં એક જ સમયે ૧૦૦થી વધારે બોમ્બ ધડાકાઓ કરવાના છે કોઇપણ ધડાકો ખાલી ન જાય. ભારત ચીફઆદેશ આપ્યો હતો કે ભારતમાં બોમ્બ ધડાકાઓ માટે સીએએના વિરોધમાં ઉતરેલા એક કોમના યુવકોનો ઉપયોગ કરો. આ ચેટીંગમાં ભારતમાં તબાહી ફેલાવવાની બધી વાતો લખી હતી.

(12:51 pm IST)