મુખ્ય સમાચાર
News of Tuesday, 28th September 2021

યોગી કેબિનેટમાં નવા મંત્રીઓને વિભાગની ફાળવણી : કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને શિક્ષણ મંત્રી બનાવાયા

રાજ્યમંત્રી પલટૂરામને સૈનિક કલ્યાણ અને હોમગાર્ડ મંત્રાલય અપાયું: રાજ્યમંત્રી ડો.સંગીતા બલવંતે મળ્યું સહકારીતા મંત્રાલય

લખનૌ : યોગી સરકારના મંત્રીમંડળમાં સામેલ નવા સાત મંત્રીઓને મુખ્યમંત્રી યોગીએ ખાતાની ફાળવણી કરી છે.કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા યુપીના બ્રાહ્મણ સમાજના કદ્દાવર નેતા જિતિન પ્રસાદને શિક્ષણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.

રાજ્યમંત્રી પલટૂરામને સૈનિક કલ્યાણ અને હોમગાર્ડ મંત્રાલય, રાજ્યમંત્રી ડો.સંગીતા બલવંતને સહકારીતા મંત્રાલય, ધર્મવીર પ્રજાપતિને ઓદ્યોગિક વિકાસ મંત્રાલય, રાજ્યમંત્રી છત્રપાલ સિંહ ગંગવારને મહેસુલ વિભાગ, રાજ્યમંત્રી સંજીવ કુમારને સમાજ કલ્યાણ, તથા દિનેશ ખટીકને જળશક્તિ મંત્રાલયનો હવાલો સોંપાયો છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને તમામ નવા મંત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મને વિશ્વાસ છે કે તમારા બધાના કુશળ, અનુભવી અને કર્મઠ નેતૃત્વમાં સંબંધિત વિભાગ નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. તમારા બધાના ઉજ્જવળ કાર્યકાળ માટે અનંત શુભકામનાઓ.

યોગી કેબિનેટમાં સામેલ થયા સાત મંત્રીઓ

(1) જિતિન પ્રસાદ

(2) સંગીતા બલવંત બિંદ

(3) ધર્મવીર પ્રજાપતિ

(4) પલટુરામ

(5) છત્રપાલ ગંગવાર

(6) દિનેશ ખટીક

(7) સંજય ગૌડ

2022 માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા આ અંતિમ વિસ્તરણ છે. કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને ખાસ સ્થાન મળ્યું છે. જિતિન પ્રસાદ બ્રાહ્મણ સમાજના મોટના નેતા છે. આ પહેલા તેઓ બે વાર સાંસદ રહી ચૂક્યા છે. યુપીએ-1 અને 2 માં તેઓ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 2004 માં શાહજહાંપુર લોકસભા બેઠક પરથી પહેલી વાર સાંસદ બન્યા હતા. 2008 માં તેમણે કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી બનાવાયા હતા. 2009 માં નવા સીમાંકન બાદ ધોરહરા બેઠક પરથ લડ્યા અને બીજી વાર સાંસદ બન્યા હતા. 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા

(12:00 am IST)