મુખ્ય સમાચાર
News of Wednesday, 28th September 2022

સોનિયા ગાંધીને સોંપવામાં આવેલ નવ પાનાંના રિપોર્ટમાં ગેહલોતને ક્લીનચીટ

રિપોર્ટમાં મંત્રી શાંતિ ધારીવાલ, મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને ધર્મેન્દ્ર રાઠોડ વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ : અન્ય કેટલાક નેતાઓ સામે પણ કાર્યવાહી

નવી દિલ્હી :રાજસ્થાન મામલાના નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં બંને નિરીક્ષકોએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને  ક્લીનચીટ આપી છે. આ ક્લીનચીટ ટેકનિકલી આપવામાં આવી છે. આ સાથે જ રિપોર્ટમાં મંત્રી શાંતિ ધારીવાલ, મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને ધર્મેન્દ્ર રાઠોડ વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ સાથે અન્ય કેટલાક નેતાઓ સામે પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.

25 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક મળવાની હતી. આ બેઠકમાં દિલ્હીના બે નિરીક્ષકો, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન હાજરી આપવા આવ્યા હતા, પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા ગેહલોત જૂથના 92 ધારાસભ્યોએ સ્પીકર ડો. સી.પી. જોશીને તેમના રાજીનામા સોંપી દીધા હતા. તેમને કહ્યું કે આ બેઠક સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટે યોજાઈ રહી છે. અમે અમારા વડા અશોક ગેહલોતને રાજ્ય છોડવા નહીં દઈએ. તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની સાથે તેમને મુખ્યમંત્રી બનવાની પણ છૂટ આપવી જોઈએ.

 

બંને નિરીક્ષકો ધારાસભ્યોની લગભગ 5 કલાક સુધી રાહ જોતા રહ્યા, પરંતુ ગેહલોત જૂથના એક પણ ધારાસભ્ય બેઠકમાં પહોંચ્યા ન હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે ધારાસભ્યોના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમજ બંને નિરીક્ષકોને દિલ્હી આવીને મામલાની જાણ કરવા પણ કહ્યું હતું. દિલ્હીમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, ત્યારે સોનિયાએ બંનેને લેખિત રિપોર્ટ આપવા કહ્યું ત્યારબાદ આજે બંને નિરીક્ષકોએ 9 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે

 

(9:01 pm IST)