મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

દિલ્હીમાં છઠ્ઠા સિરો સર્વેના પરિણામમાં દાવો : રાજ્યના 90 ટકા લોકોમાં વિકસી એન્ટીબોડી

દિલ્હીના દરેક જિલ્લામાં સીરો પોઝીટીવીટી રેટ 85 ટકાથી વધુ: . જાન્યુઆરીમાં કરાયેલ પાંચમા સેરો સર્વેમાં 56.13 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી હતી

નવી દિલ્હી : દિલ્હીમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે હવે વધુ એક રાહતના સમાચાર છે. દિલ્હીમાં 90 ટકાથી વધુ લોકોમાં કોરોના સામે એન્ટિબોડી મળી આવી છે. છઠ્ઠા સેરો સર્વે રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. દિલ્હીના દરેક જિલ્લામાં સીરો પોઝીટીવીટી રેટ 85 ટકાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીમાં કોરોનાના ચોથી અને સૌથી ખતરનાક લહેર પછી આ પહેલો સેરો સર્વે હતો. સર્વેમાં 90 ટકાથી વધુ લોકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ મળી આવી છે. સિરો-પોઝિટિવ મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. જાન્યુઆરીમાં કરવામાં આવેલા પાંચમા સેરો સર્વેમાં 56.13 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.
દિલ્હીમાં છઠ્ઠો સિરો સર્વે 24 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. આ સિરો સર્વેમાં એક અઠવાડિયા માટે 272 MCDવોર્ડ, NMDC અને કેન્ટોનમેન્ટ બોર્ડ સહિત 280 વોર્ડમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાં દરેક વોર્ડમાંથી 100-100 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 28 હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મતે, 90 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મેળવવી એક સારી નિશાની છે અને કહી શકાય કે કોરોનાની આવનારી લહેર હવે એટલી ખતરનાક નહીં હોય. જો કે, નવા વેરિઅન્ટના આગમન પછી, ખતરો હજુ પણ યથાવત છે. તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

(12:04 am IST)