મુખ્ય સમાચાર
News of Thursday, 28th October 2021

કોરોના સામેના જંગમાં વધુ એક મોટું પગલું આવતા મહિને ઘરે-ઘરે જઇને અપાશે રસી

દેશમાં ફકત ૩૨ ટકા લોકોએ જ લીધા છે બંને ડોઝ

નવી દિલ્હી, તા.૨૮: કોરોના મહામારીના ખાત્મા માટે કેન્દ્ર સરકાર સતત રસીકરણ અભિયાન ચલાવી રહી છે. ગત દિવસોમાં ૧૦૦ ડોઝનો રેકોર્ડ પણ બન્યો છે. રસીકરણ અભિયાનમાં કોઇ બાકીના રહી જાય એટલા માટે સરકાર હવે આવતા મહિનાથી ડોર ટુ ડોર રસીકરણ અભિયાન શરૂ કરશે.

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડોકટર મનસુખ માંડવીયાએ ગઇકાલે બુધવારે રાજયોના આરોગ્ય પ્રધાનો સાથે કોરોના રસીકરણ, પીએમ આયુષમાન ભારત હેલ્થ ઇન્ફાસ્ટ્રકચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. સાથે જ આપાતકાલીન કોરોના રિસ્પોન્સ પેકેજ પર રાજયોના આરોગ્ય પ્રધાનો સાથેની મીટીંગની અધ્યક્ષતા કરી હતી.

માંડવીયાએ ટવીટ કરીને કહ્યું કે આજે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે મીટીંગ કરી. કોરોના રસીકરણ કોવિડ મેનેજમેન્ટ તથા પીએમ આયુષમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન અંગે ચર્ચા થઇ. આવતો એક મહિનો ડોર-ટુ-ડોર રસીકરણ અભિયાન ચલાવાશે.

આરોગ્ય પ્રધાને પોતાના બીજા ટવીટમાં કહ્યું કે આપણે દરેક જીલ્લાનું સંપૂર્ણપણે રસીકરણ કરવું છે. મને વિશ્વાસ છે કે આપણે બધાં દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા અને સંપૂર્ણ રસીકરણ માટે સાથે મળીને કામ કરશું.

તેમણે કહ્યું કે ભારતમાં રસી માટેની યોગ્યતા ધરાવતા ૭૭ ટકા લોકોને પહેલો ડોઝ અપાઇ ચુકયો છે જયારે ૩૨ ટકા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. ૧૦ કરોડથી વધારે લોકોએ બીજો ડોઝ નથી લીધો. તેમણે કહ્યું કે દેશમાં ૪૮ જીલ્લાઓ એવા છે જયાં ૫૦ ટકાથી ઓછા લોકોને રસી અપાઇ છે. હવે રસીકરણ અભિયાનમાં આ જીલ્લાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

(10:38 am IST)