મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રસંગમાં નડી રહી છે અનેક મુશ્કેલીઓ

ગુજરાત સહિત કેટલાંક રાજયોમાં લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા વધુમાં વધુ ૧૦૦ નક્કી કરવામાં આવી છે. આ કારણે હવે લગ્નપ્રસંગમાં લોકો વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

નવી દિલ્હી,તા. ૨૮: કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે લગ્નપ્રસંગોમાં કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે. ગુજરાત સહિત કેટલાંક રાજયોમાં લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા વધુમાં વધુ ૧૦૦ નક્કી કરવામાં આવી છે. આ કારણે હવે લગ્નપ્રસંગમાં લોકો વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

દિલ્હીમાં એક લગ્નપ્રસંગમાં માસ્ક પહેર્યા વિના જોવા મળેલા વરરાજાને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય પણ દિલ્હીમાં જયાં-જયાં લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળતા વ્યકિતને દિલ્હી સરકારના નિયમ મુજબ રૂપિયા ૨ હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને ૫૦ લોકોની કરવામાં આવી છે ત્યારે ત્યાં એક લગ્નપ્રસંગમાં ૧૧૦ મહેમાનોએ હાજરી આપતા રૂપિયા ૧ લાખ ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીમાં બુધવારના દિવસે મોટા પ્રમાણમાં લગ્નપ્રસંગનું આયોજન કરાયું હતું અને તેમાં દ્યણાં પ્રસંગોમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા લગ્નપ્રસંગમાં ૫૦ મહેમાનોની લિમિટ છે ત્યારે ચેકિંગ દરમિયાન એક લગ્નપ્રસંગમાં મહેમાનોની હાજરી વધુ જોવા મળી હતી. આ લગ્નપ્રસંગમાં હાજર મહેમાનોની ગણતરી કરવામાં આવી અને તેઓની સંખ્યા વધુ જોવા મળતા પોલીસે કન્યાના ભાઈના નામ પર સરકારી આદેશનો ભંગ કરવા હેઠળ કેસ દાખલ કર્યો.

ઉત્ત્।રાખંડમાં નવવિવાહિત કપલને કવોરન્ટિન કરવામાં આવ્યું છે કારણકે વરરાજા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જયારે બીજી બાજુ લગ્નપ્રસંગમાં મહેમાનોની સંખ્યા ઓછી કરવામાં આવતા બેન્ડવાજાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક નુકસાન પહોંચ્યું છે. લોકોએ ઓછા બજેટના કારણે બુકિંગ કેન્સલ કર્યા છે. આ સાથે જ ડેકોરેશન અને ઈવેન્ટના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ ઘણું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

(9:42 am IST)