મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

માર્ગદર્શિકાને લઇને શિવરાજ સરકાર સખ્ત

મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર ઓપન જેલમાં જશે

ભોપાલ તા. ૨૮ : મધ્ય પ્રદેશમાં વધી રહેલા કોરોના કેસને લઈને સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજયમાં હવે માસ્ક ન પહેરતા લોકોને ઓપન જેલમાં મોકલવામાં આવશે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે માસ્ક ન પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો આદેશ કર્યો છે. આ જેલમાં માસ્ક ન પહેરતા લોકોને થોડો સમય રાખવામાં આવશે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધારે છે ત્યાં કટોકટી વ્યવસ્થા સમિતિ તરફથી કરવામાં આવેલી ભલામણોને આધારે લગ્ન જેવા આયોજનોમાં આમંત્રિતોની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે.

સીએમ શિવરાજે કોરોના અંગે સમીક્ષા બેઠકમાં જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે ત્યારે લગ્ન જેવા આયોજનો પર બિન-જરૂરી પ્રતિબંધો ન લગાવવાનો આદેશ આપ્યો છે. જયારે માસ્ક ન પહેરવાથી લઈને અન્ય બેદરકારી દાખવતા લોકોને થોડો સમય સુધી ઓપન જેલમાં રાખવાનો આદેશ કર્યો છે. જે લોકો હોમ આઈસોલેશમાં છે તેમના ઘર બહાર આ પ્રકારની સૂચના લગાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ સાથે સાથે મુખ્યમંત્રી શિવરાજે કહ્યુ હતુ કે, કોરોના યોદ્ઘા ડોકટર શુભમ ઉપાધ્યાય કોરોના દર્દીઓની સેવા કરતાં કરતાં શહીદ થયા છે. તેમને બચાવવાના ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે તેમને ચેન્નાઇ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેના પૂર્વે જ તેમનું નિધન થઈ ગયું હતું. તેમના પરિવારને ૫૦ લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

મધ્ય પ્રદેશમાં રિકવરી રેટ ૯૧.૧ ટકાઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કોરોનાથી સાજા થવાનું પ્રમાણ ૯૧.૧ ટકા છે, જયારે પોઝિટિવિટી રેટ ૫.૫ ટકા છે. અહીં મૃત્યુદર ૧.૬ ટકા છે. રાજયમાં કોરોના સક્રિય કેસની સંખ્યા ૧૪ હજાર ૬૭૭ છે. પ્રદેશમાં દરેક ૧૦ લાખ વ્યકિતએ કોરોના ટેસ્ટની સંખ્યા ૪૨ હજાર ૮૮૯ છે.

જિલ્લાવાર સમીક્ષામાં માલુમ પડ્યું છે કે કોરોનાના સૌથી વધારે નવા કેસ ઇન્દોરમાં ૫૫૬ આવ્યા છે. ભોપાલમાં ૩૧૩, ગ્લાલિયરમાં ૯૫, જબલપુરમાં ૮૫, રતલામમાં ૫૧ અને વિદિશામાં ૩૩ નવા કેસ સામે આવ્યા છે. આ જિલ્લાઓમાં વિશેષ ધ્યાન આપવાનું મુખ્યમંત્રી તરફથી કહેવામાં આવ્યું છે.

(10:24 am IST)