મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

બ્રાઝીલના રાષ્ટ્રપતિનું વિચિત્ર નિવેદન અમારે કોરોના વેકસીનની જરૂર નથી

લંડન, તા.૨૮: દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે દરેકને વેકસીનની આશા છે. આ સમયે પોતે કોરોના સંક્રમિત થઈ ચૂકયા હોવા છતાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોના વિચારમાં પરિવર્તન આવ્યું નથી. તેઓ હજુ પણ કોરોનાને ઓછો આંકી રહ્યા છે અને તેઓએ કહ્યું કે બ્રાઝિલને કોરોના વેકસીનની જરૂર નથી. તેઓએ કહ્યું કે તેઓ પણ કોરોના વેકસીન નહીં લગાવે.

જૈર બોલસોનારોનું એક નિવેદન સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેઓએ તેમાં કહ્યું છે કે હું તમને કહું છું કે હું વેકસીન લેવાનો નથી. આ મારો હક છે. રાષ્ટ્રપતિનું આ નિવેદન સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બોલસોનારોએ માસ્કની ઉપયોગિતાને લઈને પણ સવાલ કર્યા છે. તેઓએ કહ્યું કે માસ્ક કોરોના સંક્રમણ રોકવામાં પ્રભાવી છે તે વાતને માનનારા ઓછા છે. એ વાત અલગ છે કે WHO સહિત દરેક સ્વાસ્થ્ય એજન્સીઓ કોરોના જંગમાં માસ્કને હથિયાર ગણાવી રહી છે.

એક તરફ આખી દુનિયા કોરોના વેકસીનની રાહ જોઈ રહી છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિનું નિવેદન કોરોનાને ઓછો આંકીને તેમની આદત કાયમ રાખવાનું સૂચન કરી રહ્યું છે. આ પહેલાં પણ બોલસોનારોએ કહ્યું છે કે કોરોના વેકસીન ઉપલબ્ધ થવા બાદ બ્રાઝિલને કોરોના વેકસીનની જરૂર નથી. એટલું જ નહીં તેઓએ પહેલાં ટ્વિટર પર વેકસીનની પ્રક્રિયાની મજાક ઉડાવતાં કહ્યું હતું કે વેકસીનની જરૂર ફકત તેમના કૂતરાઓને છે.

જૈર બોલસોનારો જુલાઈમાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂકયા છે પણ તેમ છતાં તેમના વિચારોમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. બ્રાઝિલ કોરોના વાયરસથી મોતમાં બીજા નંબરે છે. પરંતુ રાષ્ટ્રપતિ કોરોનાની ગંભીરતા સમજવાને બદલે મહામારીની મજાક ઉડાવી રહ્યા છે. તેમના વિચારોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. કોરોનાની શરૂઆતમાં બોલસોનારોએ લોકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લગાવવાનો વિરોધ કર્યો હતો. તેના કારણે બ્રાઝિલમાં સ્થિતિ વણસી છે.

(10:25 am IST)