મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

ટ્રમ્પે પહેલીવાર કહ્યું: 'હા, વ્હાઇટ હાઉસ છોડી દઇશ'!

વોશિંગ્ટન, તા.૨૮: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઇલેકટોરલ કોલેજ દ્વારા જો બિડેનને વિજેતા જાહેર કરવામાં આવે તો પોતે વ્હાઇટ હાઉસ છોડી દેવા તૈયાર છે. જોકે, તેમણએ સ્પષ્ટ કર્યુ હતું કે પોતે હજુ આ ચૂંટણીમાં હાર કબૂલી નથી.

ગત તા. ત્રીજી નવેમ્બરે યોજાયેલી  પ્રમુખપદની ચૂંટણી બાદ ટ્રમ્પ હાર સ્વીકારવા સતત ઇન્કાર કરી રહ્યા છે. તેમણે ફરી જણાવ્યું હતું કે ડેમોક્રેટિક નેતા બિડેન સામે હાર સ્વીકારવાનું પોતાના માટે મુશ્કેલ છે. જો તા. ૧૪મી ડિસેમ્બરે બિડેનને સત્તાવાર વિજેતા જાહેર કરાય તો પોતે વ્હાઇટ હાઉસ છોડી દેશે કે કેમ તેવા એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે હા, હું ચોક્કસ છોડી દઇશ અને તમને તેના વિશે જાણ કરીશ. પરંતુ, એમ હાર માની લેવાનું મારા માટે અદ્યરું છે કારણ કે તમે જાણો છો કે આ ચૂંટણીમાં બહુ મોટી છેંતરપિંડી થઇ છે. ૫૩૮ સભ્યોની ઇલેકટોરલ કોલેજ તા. ૧૪મી ડિસેમ્બરે મળવાની છે. તેમાં ૭૮ વર્ષના બિડેન અમેરિકાના ૪૬મી પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. અમેરિકી સિસ્ટમ પ્રમાણે મતદારો સીધેસીધા પ્રમુખ માટે મતદાન કરતા નથી પરંતુ તેઓ ઇલેકટોરલ કોલેજના ૫૩૮ સભ્યોની ચૂંટણી કરે છે. અમેરિકાનાં રાજયોની વસ્તી પ્રમાણે આ સભ્ય સભ્યા તેમને ફાળવવામાં આવેલી છે. ઇલેકટોરેલ કોલેજમાં બિડેનને ૩૦૬ મત મળ્યા છે જયારે ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા છે. વ્હાઇટ હાઉસમાં પહોંચવા માટે ૨૭૦ મત જરૂરી હોય છે. બિડેનને ૬૦ લાખથી વધારે પોપ્યુલર મત મળ્યા છે.

(3:20 pm IST)