મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

મોદીએ કર્યુ Zydus બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણઃ વૈજ્ઞાનિકો સાથે કરી વાત

કોરોના વેકિસનનું પ્રોડકશન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન અંગે ચર્ચા કર્યાની માહિતી મેળવી હતી

અમદાવાદ, તા.૨૮: દેશભરમાં હાલ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. દિવાળી બાદ આ કહેર વધુને વધુ ચિંતાજનક બની રહ્યો છે. ત્યારે આજે પીએમ મોદીએ ઝાયડસ કેડિલાના ચાંગોદર સ્થિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ઝાયકોવિડ વેકસીનનાં શોધકર્તાઓ સાથે મુલાકાત કરીને વેકિસન સાથે જોડાયેલા પાસાઓ પર વાત કરી હતી. જેમાં કોરોના વેકિસનનું પ્રોડકશન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન અંગે ચર્ચા કર્યાની માહિતી મેળવી હતી.

આ સાથે  પીએમ મોદીએ ઝાયડસનાં ચેરમેન પંકજ પટેલ  તથા અધિકારીઓ સાથે પણ મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી અને જે બાદ પ્લાન્ટની મુલાકાત લઇને તેઓ પુણે જવા રવાના થયા છે.

વડાપ્રધાન મોદીને હંમેશા બાળકો સાથે વાત કરવી ગમે છે. તેઓ જયાં પણ જાય છે ત્યાં તેઓ બાળકો સાથે વાત કરવાની એકપણ તક છોડતા નથી. આ મુલાકાતમાં વેકસીનના સમાચારોની વચ્ચે પણ બાળકોએ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. પીએમ મોદીને કેડિલાના પ્લાન્ટના સ્વાગત સમારંભમાં આ બંને બાળકોએ નમસ્તે કહેતા વડાપ્રધાન મોદી તેમની સાથે ગમ્મત કરી હતી. જોકે, મળતી માહિતી મુજબ બાળકી અને બાળક કેડિલાના માલિક પંકજ પટેલના પૌત્ર અને પૌત્રી હોવાનું જાણવા મળ્યું છે.

પીએમ મોદીએ ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પ્લાન્ટની વિઝીટ કરી હતી. તેમણે પીપીઇ કિટ પહેરીને આ પ્લાન્ટની માહિતી મેળવી હતી. મહત્વનું છે કે, ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેકસીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની ૨ ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા ૧૦ કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે.

ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેડિલાની આ રસી આગામી માર્ચ મહિનામાં આવી શકે છે.

પીએમ મોદી ઝાયડસ બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ કરી પોતાના કાફલા સાથે હેલિપેડ તરફ રવાના થઇ રહ્યાં હતા તે દરમિયાન વચ્ચે કાફલો રોકવામાં આવ્યો હતો. જયાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ ચાલતા ચાલતા અચાનક રોકાઇને લોકોની સામે નમસ્કાર કરીને અને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.

(3:26 pm IST)