મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

નાગાલેન્ડમાં હીરા માટે ગામ લોકોએ પહાડ ખોદી નાખ્યો

હીરો મળ્યાની અફવા આગની જેમ ફેલાઈ ગઈ મોન જિલ્લાના વાનચિંગ ગામનો વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર દોડતું થયું, મામલામાં તપાસ હાથ ધરાઈ

નવી દિલ્હી, તા.૨૮ : નાગાલેન્ડના એક ગામમાં કથિત રીતે હીરાથી ભરેલા પહાડની માહિતી મળતા રીતસરની દોડધામ મચી ગઇ. સોશિયલ મીડિયા પર હીરાના પહાડના ખોદકામનો વીડિયો વાયરલ થયા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. ભૂવિજ્ઞાન અને ખોદકામ વિભાગની ટીમો સ્થળ પર પહોંચીને તપાસ કરશે. નાગાલેન્ડના મોન જિલ્લાના વાનચિંગ ગામમાં ગ્રામીણોનો વીડિયો વાયરલ થયો છે. ગામના જ એક પહાડ પર હીરા મળ્યાની વાત જંગલમાં આગની જેમ ફેલાઇ અને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચીને ખોદકામ કરવા લાગ્યા. વિભાગના નિર્દેશક એસ માનેન એ કહ્યું કે આ આખા કેસની તપાસ કરાશે. તેમણે કહ્યું કે તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જ રજૂ કરવાની કોશિષ રહેશે. મોનના ડેપ્યુટી કમિશ્નર થવસેલનને આ સંબંધમાં માહિતી આપતા કહ્યું કે આ ઘટના સપ્તાહ પહેલાંની છે. જંગલમાં કામ કરતાં કેટલાંક ગ્રામીણોને ક્રિસ્ટલનુમા પથ્થર મળ્યો ત્યારબાદ ગામના બીજા લોકોને કહ્યું કે આ હીરો હતો. જો કે અધિકારીઓને ગ્રામીણોના આ દાવા પર શંકા છે.

હીરો હોવાના દાવા કરી રહેલા આ પથ્થર બિલકુલ ફર્શ પર મળ્યા હતા. આથી આ હીરા હોવા પર શંકા થઇ રહી છે. આ પથ્થરોના ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોવાની આશા વ્યકત કરાય રહી છે. જો કે ક્વાર્ટઝના પણ કેટલાંય ગુણ દેખતા તેનાથી ફાયદો મળવાની આશા વ્યકત કરાય રહી છે.

(7:28 pm IST)