મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

મનસુખ માંડવિયાએ પોતાની ઓફિસની બહાર મુકાવ્યું એવું બોકસ કે આખા દેશમાં બની ગયો ચર્ચાનો વિષય

નવી દિલ્હી,તા. ૨૯ : તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થતાં ગુજરાતી મૂળના મનસુખ મંડવીયાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી મળી હતી. તેમણે પોતાના મંત્રાલયમાં એક નવો અને આવકારદાયક પ્રયોગ કર્યો છે.

નવી દિલ્હીનાં નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ઓફિસમાં જવાનું થાય તો એક નવો ફેરફાર જોવા મળશે. વાત એમ છે કે ગુજરતી મૂળના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કારભાર સંભાળતા જ કેટલાંક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકીનો એક આવકારદાયક ફેરફાર એટલે 'આઇડિયા બોકસ'

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા અમલમાં લાવવામાં આવેલો આ પ્રયોગ મંત્રાલયની કાર્યપદ્ઘતિમાં ફેરફાર લાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. આઇડિયા બોકસ એક લાકડાનું બોકસ છે જે ઓફિસની બહાર લગાવવામાં આવેલું છે અને તેના પર કેપિટલ લેટર્સમાં મોટા અક્ષરે “IDEA BOX” એવું લખી દેવામાં આવ્યું છે.

ચાર્જ સંભાળ્યા બાદ માંડવિયાએ મંત્રાલયના અધિકારીઓ પાસે  સૂચન માગ્યા હતા. તેમણે અધિકારીઓ સાથેની બેઠકમાં કામગીરીમાં ફેરફારની વાત પણ કરી હતી. ત્યાર બાદ કરવામાં આવેલો પ્રથમ પ્રયોગ છે આઇડિયા બોકસ. આઈડિયા બોકસ મંત્રાલયના અનેક પડકારો-સમાધાન માટે ઉપયોગી થશે

આ અગાઉ પોર્ટ્સ એન્ડ શિપિંગ મિનિસ્ટ્રીમાં પણ તેમણે કઈ રીતે પ્રશ્નો શોધવા માટે વ્યવસ્થા કરેલી હતી તે અંગે પોતાના અધિકારીઓને વાકેફ કર્યા હતા. આ સિવાય અધિકારીઓના સૂચનો પણ આવકાર્યા હતા.

ઘણીવાર અધિકારીઓ તેના ઉપરી પાસે સમસ્યા લઈ જતાં ખચકાટ અનુભવતા હોય છે. પરંતુ હવે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ તેમની સમસ્યા અને સમાધાન વગેરે આ બોકસમાં નાખી શકશે. જે મંત્રાલયની કાર્યપ્રણાલીમાં નવા પ્રાણ ફૂંકશે એવું માનવામાં આવી રહ્યું છે.

(10:14 am IST)