મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

ગુજરાતમાં ત્રણ વર્ષમાં PMAY-U અંતર્ગત ૪.૭૫ લાખ મકાનોનું નિર્માણ થયું: યોજના હેઠળ રાજ્ય માટે કુલ રૂ. ૯૦૩૪.૧૭ કરોડ કેન્દ્રીય સહાય અપાઇ

રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથવાણીના સવાલના જવાબમાં રાજ્યકક્ષાના આવાસ અને શહેરી બાબતોના મંત્રીનો પ્રત્યુત્તર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : વર્ષ ૨૦૧૮-૧૯થી છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના - અર્બન (PMAY-U) અંતર્ગત ગુજરાતમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે કુલ ૪,૭૫,૩૬૬ લો-કોસ્ટ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકોના આવાસ નિર્માણ માટે કુલ રૂ. ૯૦૩૪.૧૭ કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. રાજયસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી કૌશલ કિશોરએ આ માહિતી ૨૮ જુલાઈ,૨૦૨૧ના રોજ રાજયસભામાં આપી હતી.

કેન્દ્રીય મંત્રીના નિવેદન મુજબ, દેશમાં અંદાજે ૩૩,૫૧૦ ઝુંપડપટ્ટીઓ આવેલી છે અને વર્ષ ૨૦૨૧માં થયેલી વસ્તી ગણતરી મુજબ ૬,૫૪,૯૪,૬૦૪ જેટલી વસ્તી ઝુંપડપટ્ટીઓમાં રહે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના ૬૯માં રાઉન્ડ મુજબ, ગુજરાત રાજયમાં ૨,૯૨૩ ઝુંપડપટ્ટી વિસ્તારો આવેલા છે, જેમાં ૧૬,૮૦,૦૯૫ જેટલા લોકો રહે છે.

શ્રી પરિમલ નથવાણી જાણવા માગતા હતા કે દેશમાં કેટલા સ્લમ વિસ્તારો છે અને તેમાં કેટલા લોકો આશરો લઈ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે ઓછા ખર્ચે તૈયાર થયેલા આવાસો માટે કેટલી નાણાકીય ફાળવણી કરવામાં આવી છે તથા છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના માટે કેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે વિવિધ રાજયોને છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ રૂ. ૭૧,૪૪૫.૭૯ કરોડની સહાય પૂરી પાડી છે, જેમાં આ સમયગાળા દરમિયાન દેશમાં કુલ ૪૧,૧૩,૮૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમ કેન્દ્રીય મંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

(11:35 am IST)