મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

ગુગલ સર્ચ દર મીનીટે કરે છે સરેરાશ ૨ કરોડની કમાણી

ગુગલને ગુગલ સર્ચમાંથી થઇ ૨૬૬૬૯૫ કરોડ રૂપિયાની આવક

નવી દિલ્હી તા. ૨૯ : ગુગલ સર્ચ પ્લેટફોર્મ પર દર મીનીટે લાખો લોકો કંઇને કંઇ સર્ચ કરતા હોય છે. પણ શું તમને ખબર છે કે તમારા સર્ચથી ગુગલને દર મીનીટે સરેરાશ ૨ કરોડ રૂપિયાની કમાણી થાય છે. ગુગલ માટે કમાણીના હિસાબે ૨૦૨૧નો બીજો ત્રિમાસીક ગાળો બહુ સારો રહ્યો છે. આ સમયગાળામાં ગુગલે અત્યાર સુધીમાં સૌથી વધારે ૬૧.૯ બીલીયન ડોલરની કમાણી કરી છે. ગુગલની આ કમાણીમાં સૌથી મોટો હિસ્સો ગુગલ સર્ચનો રહ્યો છે. ગુગલને સર્ચ દ્વારા ૩૫.૮ બીલીયન ડોલર (લગભગ ૨૬૬૬૯૫ કરોડ રૂપિયા)ની કમાણી થઇ છે. મતલબ કે તમારા સર્ચ દ્વારા ગુગલ દર મીનીટે લગભગ ૨ કરોડ રૂપિયા કમાઇ રહ્યું છે.

આલ્ફાબેટ કંપનીને ગુગલ પછી સૌથી વધારે કમાણી યુ-યુટબથી થાય છે. યુ-ટયુબથી બીજા ત્રિમાસીકમાં લગભગ ૩૫.૮ બીલીયન ડોલરની કમાણી થઇ છે જે ગયા વર્ષ કરતા ૧૪ બીલીયન ડોલર વધારે છે. આલ્ફાબેટ અને ગુગલને સતત ચોથા ત્રિમાસીકમાં રેકોર્ડ ૧૮.૫ બીલીયન ડોલરનો નફો થયો છે.  ગુગલનો યુ-ટયૂબની સરખામણીમાં વધારે જાહેરાતો મળી છે. ગુગલને વર્ષના બીજા ત્રિમાસીકમાં ૭ બીલીયન ડોલરની જાહેરાતો મળી હતી જે ગત વર્ષના ૩.૮ બીલીયન ડોલરથી લગભગ બમણી છે. આ દરમિયાન યુ-ટયૂબની કમાણી ૧ બીલીયન ડોલરથી વધી છે. ૨૦૧૯ના આંકડાઓ પર ધ્યાન આપીએ તો ગુગલ સર્ચ પર દર મીનીટે લગભગ ૩.૮ મીલીયન સર્ચ કરવામાં આવે છે એટલે કે દર કલાકે ૨૨૮ મીલીયન સર્ચ અને એક દિવસમાં ૫.૬ બીલીયન સર્ચ એ જ પ્રમાણે વર્ષભરમાં સરેરાશ ૨ ટ્રીલીયન સર્ચ કરવામાં આવે છે.

(11:37 am IST)