મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

મોર્નિંગ વોક પર નીકળેલા જજની હત્યા

હાઇપ્રોફાઇલ કેસની કરતા'તા તપાસ

નવી દિલ્હી, તા.૨૯: મોર્નિંગ વોક પર નીકળેલા ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ ઉત્ત્।મ આનંદનું અકસ્માતમાં થયેલા મોતનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કોર્ટને આ કેસની સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે. SCBAએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ મામલે સ્વતંત્ર તપાસ થવી જોઇએ, કેમકે જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેની પાછળ મોટું ષડયંત્ર હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઘટનાની જાણકારી ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાના ધ્યાને આવવી જોઇએ કેમકે તેઓ જ આ મામલે જરૂરી પગલા ઉઠાવશે.

ઉલ્લેખનીય છે કે મોર્નિંગ વોક પર નીકળેલા જિલ્લા તેમજ સેશન્સ જજ ઉત્તમ આનંદના અકસ્માતમાં મોતના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં દ્યણી હદ સુધી એ સ્પષ્ટ થયું છે કે ઓટોએ ટક્કર જાણી જોઇને મારી હતી. પૂર્વ ધારાસભ્યના નજીકના રંજય હત્યાકાંડ જેવા મહત્વપૂર્ણ કેસમાં સુનાવણી કરનારા જજના મોતને હત્યાનો મામલો માનીને પોલીસ દરેક પાસાની તપાસ કરવામાં લાગી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે જલદી આ હત્યાકાંડનો ખુલાસો કરીને દોષિતોને સજા અપાવવામાં આવશે.

તો ધારાસભ્યએ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. જણાવી દઇએ કે ધનબાદના જિલ્લા તેમજ સેશન્સ જજ ઉત્ત્।મ આનંદ બુધવાર સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે રણધીર વર્મા ચોકની નજીક ઓટોએ તેમને ટક્કર મારી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ઓટો પહેલા રોડ પર સીધી આવી રહી હતી અને જજ રોડ કિનારે વોક કરી રહ્યા હતા, પરંતુ અચાનક ઓટો ચાલક જજને ટક્કર મારીને ફરાર થઈ ગયો.

મૃતક જજ પૂર્વ ધારાસભ્ય સંજીવ સિંહના નજીકના રંજય હત્યાકાંડના મામલે સુનાવણી કરી રહ્યા હતા. આ એક મહત્વપૂર્ણ વાત છે તેથી પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ મામલે ત્રણ દિવસ પહેલા જ જજ આનંદે ઉત્તર પ્રદેશના ઇનામી શૂટર અભિનવ સિંહ અને હોટવાર જેલમાં બંધ અમન સિંહ સાથે સંબંધ રાખનારા શૂટર રવિ ઠાકુર તેમજ આનંદ વર્માના જામીન ફગાવી દીધા હતા. આ ઉપરાંત આનંદ કતરાસમાં રાજેશ ગુપ્તાના ઘરે બોમ્બમારા જેવા કેટલાક મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરી રહ્યા હતા.

જજને ટક્કર મારનાર ઓટો ડ્રાઈવરની ધરપકડઃ હત્યા કરેલ કે અકસ્માત ?

નવી દિલ્હીઃ. ધનબાદ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અષ્ટમ ઉત્તમ આનંદ (ઉ.વ. ૫૦)ને ટક્કર મારીને તેમની મોતનું કારણ બનેલી રીક્ષા ગિરિડીહથી ઝડપાઈ છે. પોલીસે આ મામલે ઓટો ડ્રાઈવર સહિત ૨ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ આ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે જજનું મોત માત્ર એક દુર્ઘટના છે કે પછી સમજી વિચારીને આચરેલુ કૃત્ય છે.

મહત્વપૂર્ણ છે કે બુધવાર સવારે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ફુટેજ જોયા બાદ પોલીસ ઓટો ચાલક પર સવાલ ઉઠાવી રહી છે. શક ઉભો થતા જજના પોસ્ટમોર્ટમ માટે ડીસીના આદેશ પર ઉતાવળમાં મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી.

(3:51 pm IST)