મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

૧લી સપ્ટેમ્બરથી દેશવ્યાપી ટોલ ટેક્ષ મોંઘો થશે

વાહન ચાલકોએ પોતાના ગજવા હળવા કરવા પડશે : ટોલમાં ૫ થી ૮ ટકાનો વધારો થશેઃ દેશભરમાં ૫૬૩ ટોલ પ્લાઝા છે : વધેલા ટેક્ષથી સરકાર અલગ ફંડ ઉભું કરવા માંગે છે

નવી દિલ્હી તા. ૨૯ : રોડ યાત્રીઓએ આવતા મહીનાથી ટોલ પ્લાઝા પર ખિસ્સુ વધારે હળવું કરવું પડશે. સરકાર ટોલ ટેક્ષના દરોમાં ૫ થી ૮ ટકા વધારો કરવા જઇ રહી છે. તેનાથી ખાનગી અને ધંધાદારી વાહનોએ અલગ અલગ ટેક્ષ દરે પૈસા ચૂકવવા પડશે. સરકાર રોડ એકસીડન્ટમાં ઘાયલોની મફત સારવાર (કેશલેસ ટ્રીટમેન્ટ) આપવાની યોજનાને ટોલ ટેક્ષ વ્યવસ્થા સાથે જોડવા માટે વિચાર કરી છે. તે લાગુ થવાથી ટોલ રોડ પર વાહન ચલાવવું વધારે મોંઘુ થઇ જશે.

રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે દેશભરમાં કુલ ૫૬૩ ટોલ પ્લાઝા છે. નિયમ હેઠળ જથ્થાબંધ ભાવાંકના અનુપાતમાં વર્ષમાં એકવાર ટોલ ટેક્ષના દરો વધારી શકાય છે પણ કેટલાક ટોલ પ્લાઝાના ટોલ ટેક્ષના દરો નવા નાણાંકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી વધારવામાં આવે છે. ઘણાં ટોલ પ્લાઝામાં પહેલી સપ્ટેમ્બરથી વધારાય છે.

અધિકારીએ જણાવ્યું કે તે એનએચઆઇ અને કંપની વચ્ચે થયેલ કોન્ટ્રાકટ એગ્રીમેન્ટ અનુસાર નક્કી થાય છે. આમ વર્ષમાં ટોલટેક્ષના દરો બે વાર વધારવામાં આવે છે પણ એક ટોલ પ્લાઝામાં વર્ષે એકવાર જ ટોલ દરો વધે છે. તેમણે જણાવ્યું કે, એમસીએ મુજબ આ વર્ષે પણ એક સપ્ટેમ્બરથી કેટલાક ટોલ પ્લાઝા પર ટોલ દરો વધી જશે.

હીટ એન્ડ રન કેસ અને વીમા વગરના વાહનોની ટક્કરથી ઘાયલોના ઇલાજ માટે સરકાર ૨.૫ લાખ સુધીનો ખર્ચો ઉઠાવશે. આ યોજના પર વર્ષે બે હજાર કરોડની જરૂર પડશે. એટલે ટોલ ટેક્ષ વ્યવસ્થાને કેશલેસ ટ્રીટમેન્ટ સાથે જોડવાની યોજના છે.

રોડ પરિવહન મંત્રાલયના આંકડાઓ અનુસાર ૨૦૧૯-૨૦માં ટોલ ટેક્ષના રૂપમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયા મળ્યા હતા. દેશભરમાં એક લાખ ચાલીસ હજાર કિલોમીટરનો નેશનલ હાઇવે છે. તેમાંથી ફકત ૨૪,૯૯૬ કિલોમીટર નેશનલ હાઇવે પર જ ટોલ ટેક્ષ લાગે છે. મંત્રાલયનું લક્ષ્ય છે કે આગામી પાંચ વર્ષોમાં ૭૫૦૦૦ કિલોમીટર ટોલ રોડ બનાવવામાં આવે. જેનાથી ટોલ ટેક્ષની આવકનો આંકડો ૧ લાખ કરોડથી વધે. આ નાણાથી દેશમાં નવા નેશનલ હાઇવે બનાવવાનો રસ્તો સરળ બનશે.

(10:14 am IST)