મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

રાહુલ ગાંધીના તીખા પ્રહારો

નોટબંધી, ખામીયુકત જીએસટી અને નિષ્ફળ લોકડાઉનના કારણે અર્થ વ્યવસ્થા થઇ બરબાદ

નવી દિલ્હી તા. ર૯ :.. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન નિર્મલ સીતારમણના 'દૈવીય ઘટના' (એકટ ઓફ ગોડ) વાળા બયાન બાબતે શુક્રવારે તેમના પર નિશાન તાકયું અને આક્ષેપ કર્યો કે નોટબંધી, ખામી યુકત જીએસટી અને નિષ્ફળ લોકડાઉનના કારણે અર્થ વ્યવસ્થા બરબાદ થઇ ગઇ છે. તેમણે નાણાંપ્રધાનના બયાનનો હવાલો આપતા ટવીટ કર્યુ, ભારતની અર્થવ્યવસ્થા બરબાદ થઇ ગઇ છે. આના સિવાયની વાતો બધી ખોટી છે.

ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાને ગુરૂવારે કહયું હતું કે અર્થ વ્યવસ્થા કોવિદ-૧૯ મહામારીથી પ્રભાવિત થઇ છે જે એક દૈવિય ઘટના છે અને તેનાથી ચાલુ નાણાંકીય વર્ષમાં તે સંકોચાશે. ચાલુ નાણાંકીય વર્ષમાં જીએસટીની આવકમાં ર.૩પ લાખ કરોડ રૂપિયા ઘટાડો થવનો અંદાજ લગાવાયો છે. નાણાપ્રધાને જીએસટી પરિષદની ૪૧ મી બેઠક પછી પત્રકારોને કહયું કે જીએસટીના ક્રિયાધ વચનના લીધે જે નુકસાન થયું છે કેન્દ્ર તે ભોગવશે.

કોંગ્રેસના સીનીયર નેતા પી. ચીદમ્બરમે શુક્રવારે ટવીટ કરીને રાજય સરકારોને આગ્રહ કર્યો કે તેઓ જીએસટીના વળતર મુદ્ે કેન્દ્ર દ્વારા અપાયેલ વિકલ્પોને નકારી દે અને એક સૂરમાં રકમની માગણી કરે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જીએસટી પરિષદની બેઠકમાં કેન્દ્ર રાજયો સામે વિકલ્પ આપ્યો હતો કે તેઓ ચાલુ નાણાંકીય વર્ષમાં જરૂરી ભંડોળ માટે લોન લઇ શકે છે. અને તેમાં કેન્દ્ર તરફથી મદદ કરવામાં આવશે.

(3:37 pm IST)