મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

વારાણસીમાંથી પકડાયેલ આઈએસઆઈ એજન્‍ટને મદદ કરનાર કચ્‍છના મુન્‍દ્રાનો યુવક બે વખત પાકિસ્‍તાન જઇ આવ્‍યો છેઃ મોટો ઘટસ્‍ફોટ

અમદાવાદ: આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર ગુજરાત હંમેશાથી રહ્યું છે. ત્યારે ફરી એકવાર પોલીસ તપાસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાનને અડીને આવેલા સરહદી કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. ગત 19 જાન્યુઆરીએ વારાણસીમાંથી પકડાયેલાં આઈએસઆઈ એજન્ટ મોહમ્મદ રાશિદ ઈદ્રીશના ખાતામાં પેટીએમ મારફતે જમા થયેલાં 5 હજાર રૂપિયાની તપાસમાં આ નાણાં મુન્દ્રાના કુંભારવાસમાં રહેતાં રઝાક સુમાર કુંભારે જમા કરાવ્યાં હોવાનો પર્દાફાશ થયો છે.

આ અંગે NIA એ જણાવ્યું છે કે, ત્રાસવાદી સંગઠનની સૂચનાના પગલે રઝાક કુંભારે પેટીએમ મારફતે રીઝવાન નામના શખ્સના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ નાણાં રીઝવાને રાશિદને આપ્યા હતા. NIA એ રઝાક કુંભારના ઘરની તપાસ કરીને કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. આ ઉપરાંત રઝાક વિશે અન્ય ચોંકાવનારી વિગતો પણ મળી કે, રજાક કુંભારે પાકિસ્તાની યુવતી સાથે નિકાહ કર્યાં છે. અગાઉ તે પાકિસ્તાન ગયો ત્યારે તે પાકિસ્તાની જાસૂસી એજન્સીના હેન્ડલરના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા છે. તેની પત્ની હાલ પાકિસ્તાનમાં છે. રઝાક કેટલાં સમયથી આઈએસઆઈ માટે કામ કરતો હતો. કચ્છમાં તેની સાથે અન્ય કોઈ એજન્ટ કામ કરે છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ સ્થિત ત્રાસવાદ વિરોધી દળ અને મિલિટરી ઈન્ટેલિજન્સે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગત 19 જાન્યુઆરીના રોજ વારાણસીમાંથી મોહમ્મદ રાશિદ ઈદ્રીશ નામના 23 વર્ષિય યુવકની ધરપકડ કરી હતી. મૂળ ચંદોલીના મુગલસરાઈના રહેવાસી રાશિદના સંબંધી પાકિસ્તાનમાં રહેતાં હોઈ લગ્નપ્રસંગે તે 2017 અને 2018માં પાકિસ્તાન ગયો હતો. ત્યાં તે આઈએસઆઈ હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો.

નાણાંની લાલચમાં રાશિદે આઈએસઆઈ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે વારાણસીના વિવિધ ઘાટ, મહત્વના મંદિરો, રેલવે સ્ટેશન, લખનૌના વિવિધ વ્યૂહાત્મક સ્થળો, મિર્ઝાપુર અને સોનભદ્ર જેવા નક્સલાઈટ વિસ્તારમાં આવેલા સીઆરપીએફ કેમ્પ વગેરેની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ વોટ્સએપ મારફતે સામે સહરદની પાર આવેલા પાકિસ્તાનમાં કોઈકને શેર કર્યાં હતા. ત્યારે આતંકીઓનું ગુજરાત કનેક્શન સામે આવતાની સાથે જ ગુજરાત એટીએસ પણ સક્રિય થઈ છે.

(5:13 pm IST)