મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

કોરોનાના વધતા કહેર વચ્‍ચે રાહતના સમાચારઃ પ્રતિ 100 ટેસ્‍ટ પર કન્‍ફર્મ કેસના આંકડા છેલ્લા દોઢ મહિનાથી સતત ઘટી રહ્યા છેઃ પોઝીટીવીટી રેટ 11.23 ટકામાંથી ઘટી 8.84 ટકા થયો

નવી દિલ્હી: કોરોના જે રીતે દેશમાં ફેલાઈ રહ્યો છે તે ખરેખર ચિંતાજનક છે. રોજે રોજ હવે તો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 76,472 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 34,63,973 પર પહોંચ્યો છે. જેમાંથી 7,52,424 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 26,48,999 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોનાથી એક જ દિવસમાં 1021 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 62,550 પર પહોંચી ગયો છે.

સતત વધતા કહેર વચ્ચે આ છે રાહતના સમાચાર

કોરોનાના સતત વધી રહેલા સમાચાર વચ્ચે જો કે રાહતના ખબર પણ મળ્યાં છે. પ્રતિ 100 ટેસ્ટ પર કન્ફર્મ કેસના આંકડા એટલે કે પોઝિટિવિટી રેટ છેલ્લા લગભગ દોઢ મહિનાથી સતત ઘટી રહ્યો છે. દર 14 દિવસે માપવામાં આવતો આ દર 15 જુલાઈ-28 જુલાઈ વચ્ચે જ્યાં 11.23 ટકા હતો ત્યાં 14-27 ઓગસ્ટની વચ્ચે તે 8.84 ટકા થઈ ગયો.

જો કે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં સ્થિતિ ચિંતાજનક છે. આ રાજયો ઉપરાંત તામિલનાડુ અને દિલ્હીનો પોઝિટિવિટી રેટ સૌથી વધુ  છે. જે વિસ્તારોમાં છેલ્લા 14 દિવસમાં 5ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ રહ્યો છે તે રાહતના શ્વાસ લઈ શકે છે. પરંતુ 5 ટકાથી વધુ પોઝિટિવિટી રેટવાળા વિસ્તારો રેડ ઝોનમાં આવે છે. પોઝિટિવિટી રેટ જેટલો વધુ હશે ત્યાં સંભાવના એ છે કે વધુ પ્રમાણમાં બીમારોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને મોટી સંક્રમિત વસ્તીનું ટેસ્ટિંગ થતું નથી.

શુક્રવાર સુધીમાં દેશના 34 લાખ કેસમાં સૌથી વધુ 22 ટકા એકલા મહારાષ્ટ્રમાંથી હતાં. જ્યાં છેલ્લા 14 દિવસથી પોઝિટિવિટી રેટ 20 ટકાથી વધુ રહ્યો છે. 1-14 ઓગસ્ટ વચ્ચે અહીં કઈંક ઘટાડો થઈને 16.5 ટકા થયો હતો પરંતુ પાછો વધી ગયો. ઓગસ્ટના પહેલા 14 દિવસ બાદ કરીએ તો 5 જૂન બાદ સતત પોઝિટિવિટી રેટ 20 ટકાથી વધુ રહ્યો છે.

દિલ્હી ફરીથી રેડ ઝોન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અહીં 14 ઓગસ્ટ સુધી લગભગ એક મહિનાથી પોઝિટિવિટી રેટ 6 ટકાની આસપાસ રહ્યો જે હવે વધી રહ્યો છે. જ્યારે છત્તીસગઢ કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે. તાજા આંકડા મુજબ અહીંનો પોઝિટિવિટી રેટ 9 ટકા પાર પહોંચી ગયો છે. આ અગાઉ રાજ્યનો પોઝિટિવિટી રેટ 5 ટકાથી 6 ટકા વચ્ચે રહ્યો હતો.

(5:00 pm IST)