મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

ટ્વિટરનો નિર્ણયઃ કોપી પેસ્ટ ટ્વીટને હવેથી સંતાડી દેવાશે

રાજકીય પાર્ટીઓ માટે માઠા સમાચાર : ટ્વીટરના આ નિર્ણયથી રાજકીય પાર્ટીઓ અને સંસ્થાઓ માટે કામ કરનાર આઈટી સેલની ખુબ મુશ્કેલી વધી ગઈ

કેલિફોર્નિયા, તા. ૨૯ : માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે શનિવારે એક મહત્વનો નિર્ણય લઈને જાહેરાત કરી છે કે કોપીપેસ્ટ ટ્વીટને તે બંધ કરી દેશે. ટ્વીટરના આ નિર્ણયથી રાજકીય પાર્ટીઓ અને સંસ્થાઓ માટે કામ કરનારા આઈટી સેલની મુશ્કેલી વધી ગઈ છે. ટ્વીટરે એવી ટ્વીટને છુપાવવાનો નિર્ણય લીધો છે જે કોપી-પેસ્ટ હોય એટલે કે જો આપ કોઈની ટ્વીટને કોપી કરીને પેસ્ટ કરી રહ્યા છો અથવા એક જ ટ્વીટ ઘણા લોકો ટ્વીટ કરી રહ્યા હોય તો આવી ટ્વીટ લોકોની ટાઈમલાઈનથી હાઈડ કરી દેવામાં આવશે.

ટ્વીટરે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્લેટફોર્મ પર કોપી-પેસ્ટવાળી ટ્વીટની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. એક જ ટ્વીટને કેટલાય લોકો કોપી કરીને ટ્વીટ કરી રહ્યા છે. એવામાં અમે આ પ્રકારની ટ્વીટની વિઝિબિલિટિને ઓછી કરવાનો નિર્ણય લીધો છે. ટ્વીટરે પોતાની નવી પોલિસીમાં કોપીપેસ્ટ ટ્વીટને પણ સામેલ કર્યા છે. ટ્વીટરે આને લઈને મોબાઈલ એપમાં એક ફીચર પણ જારી કર્યુ છે જ્યાંથી આપ આપના ટ્વીટને કોપી કરવાનો વિકલ્પ બંધ કરી શકો છો. કંપનીએ તાજેતરમાં જ 'રિવ્ટીટ વીથ ક્વોટલ્લ ફીચર પણ જારી કર્યુ છે.

કોપીપેસ્ટ ટ્વીટનો ઉપયોગ સૌથી વધારે સ્પામિંગ અને કોઈ કેમ્પેઈન માટે થાય છે. ઘણીવાર આપે જોયુ હશે કે હજારો એકાઉન્ટમાંથી એક જ જેવી ટ્વીટ કરવામા આવે છે. આ તમામ ટ્રેન્ડિંગ અને કોઈ ખાસ વ્યક્તિ અથવા સંસ્થાને નિશાના પર લાવવા માટે થાય છે. આનો સૌથી વધારે ઉપયોગ રાજકીય પ્રોપેગેન્ડા ફેલાવવા માટે થાય છે. કોપીપેસ્ટ ટ્વીટનું એક નુકસાન એ પણ છે કે ક્યારેક કોઈનું ઑરિજનલ કન્ટેન્ટ પણ તેનુ રહેતુ નથી. લોકો કોપી કરીને પોતાના નામની સાથે ટ્વીટ કરી દે છે. એવામાં ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટરને ઓછો અને કોપી-પેસ્ટ કરનારને વધારે ફાયદો થઈ જાય છે.

(9:14 pm IST)