મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ચીનમાં ઉઈગર બાદ ઉત્સુલ મુસલમાનો ટાર્ગેટ : ઇસ્લામિક વસ્ત્રો -હિઝાબ પહેરવા પર પ્રતિબંધ

હિઝાબ ઉપરાંત મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા લાંબા સ્કર્ટ પર પણ પ્રતિબંધ :કોઇ પણ લઘુમતી સ્કુલમાં પરંપરાગત વસ્ત્રો પહેરી શકાતા નથી

નવી દિલ્હી : ચીનનાં શિનજિયાંગ પ્રાંતનાં ઉઇગર મુસલમાનો પર અત્યાચારો ગુજાર્યા બાદ હવે ચીનની સામ્યવાદી સરકાર માત્ર 10 હજારની વસ્તી ધરાવતા ઉત્સુલ મુસલમાનોને નિશાન બનાવી રહી છે.

સરકારે ઉત્સુલ મહિલાઓને પરંપરાત ઇસ્લામિક પરિધાન અને હિઝાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, આ માહિતી બહાર આવતા દુનિયાભરનાં દેશો ચીનની આકરી ટીકા કરી રહ્યા છે. હેનાન પ્રાંતનાં સાન્યા શહેરમાં રહેતા ઉત્સુલ મુસલમાનોને શાળાઓ અને સરકારી કાર્યાલયોમાં પરંપરાગત વસ્ત્રો પહેરવા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અધિકારીઓએ તેના આ પ્રકારનાં પહેરવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટનાં જણાવ્યા પ્રમાણે ઉત્સુલ મુસ્લિમોનાં એક સામાજીક કાર્યકરે નામ પ્રકાશિત નહીં કરવાની શરતે કહ્યું કે સત્તાવાર હુકમ એ છે કે કોઇ પણ લઘુમતી સ્કુલમાં પરંપરાગત વસ્ત્રો પહેરી શકાતા નથી. સાન્યામાં અન્ય લઘુમતીઓ પરંપરાગત ડ્રેસ નથી પહેરતા, આ જ કારણે તેમને કોઇ દબાણ નથી કરતું, જ્યારે અમારા પર જોરજબરજસ્તી કરવામાં આવે છે, હિઝાબ અમારી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, પરંતું જો અમે તે ત્યજી દઇશું તો તે અમારા કપડા ઉતાર્યા બરાબર મનાશે.

હિઝાબ પર પ્રતિબંધ લગાવવાનાં હુકમનાં વિરૂધ્ઘ યુવતીઓનાં વિરોધ પ્રદર્શનો પણ શરૂ થઇ ચુક્યા છે, વિરોધ કરતી યુવતીઓને પોલીસ ઘેરી રહી છે, હિઝાબ ઉપરાંત મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા લાંબા સ્કર્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

 ઉત્સુલ મુસલમાનોનાં પરંપરાગત ડ્રેસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું કોઇ કારણ જણાવવામાં આવ્યું નથી, સામાજિક કાર્યકર્તાએ કહ્યું કે સાન્યા નગરપાલિકા અથવા શહેરની સ્થાનિક ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની શાખામાં કામ કરતી ઉત્સુલ મહિલાઓને પણ ગયા વર્ષનાં અંતમાં હિઝાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સરકાર અથવા કોમ્યુનિસ્ટ પાર્ટીનાં યુનિટમાં કામ કરી રહેલી ઉત્સુલ મહિલાઓને હિઝાબ ડિસઓર્ડર્લી ગણાવાયો છે.

(12:00 am IST)