મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

રાજ્‍યોએ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનું ૫ ટકા ચેકીંગ કરવું પડશે

પૈસા લાભાર્થી ન હોય તેવાને મળી જતા હોવાની ફરિયાદો પછી કેન્‍દ્રનો આદેશ

નવી દિલ્‍હી તા. ૨૯ : કેન્‍દ્રએ રાજ્‍યોને પીએમ કિસાન યોજનાના ૫ ટકા લાભાર્થીઓનું ફીઝીકલ વેરીફીકેશન કરીને આ યોજનાના નાણા નોંધાયેલા ખેડૂતોને જ મળે છે તે ચેક કરવા કહ્યું છે. કેટલાક નાણા આ યોજના માટે હકદાર ન હોય તેવા ખેડૂતોના ખાતામાં જતા હોવાની સંખ્‍યાબંધ ફરિયાદો કેન્‍દ્રને મળી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા ૬૦૦૦ ત્રણ સરખા હિસ્‍સામાં આપવામાં આવે છે. આ યોજનામાંથી ઇન્‍કમટેક્ષ ચુકવનારાઓ, રિટાયર્ડ અને કામ કરતા સરકારી કર્મચારીઓ, ડોકટર, વકીલ, સીએ જેવા ધંધાર્થીઓ, જાહેર સેવકો જેમ કે વર્તમાન અથવા ભૂતપૂર્વ સાંસદ સભ્‍યો અને ધારાસભ્‍યો તથા અન્‍ય ઉંચી આર્થિક સ્‍થિતિ ધરાવતા લોકોને બાકાત રાખવામાં આવ્‍યા છે.

કૃષિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આ યોજનાનું ઓડીટ સીએજી દ્વારા કરવામાં આવે છે. અમે રાજ્‍યોને પેમેન્‍ટની વિગતો આપવા તથા ૫ ટકા લાભાર્થીઓનું વેરીફીકેશન કરીને યોજનાના નાણા યોગ્‍ય હાથોમાં જાય છે કે નહીં તે ચેક કરવા કહ્યું છે.

૨૦૧૯ના ફેબ્રુઆરીમાં આ યોજના શરૂ થઇ ત્‍યારથી અત્‍યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ ૯૩ હજાર કરોડથી પણ વધારે રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. અધિકારીએ કહ્યું કે, આમા સૌથી વધારે લાભાર્થી ઉત્તરપ્રદેશ (૨૬.૪ મિલીયન)ના છે, ત્‍યાર પછી મહારાષ્‍ટ્ર (૧૧.૦૭ મીલીયન) અને મધ્‍યપ્રદેશ (૮.૧૮ મીલીયન) આવે છે. આ ડેટા રાજ્‍ય સરકારો ડીજીટલી વેરીફાય કરે છે. હવે કેન્‍દ્ર આ ડેટાઓમાં કોઇ ખામી રહી ગઇ હોય તો તે અંગે જાણવા માંગે છે.

કેન્‍દ્ર બાકાત લીસ્‍ટના લાભાર્થીઓની ઓળખ કરવા માટે રાજ્‍ય સરકાર સાથે મળીને એક મીકેનીઝમ બનાવવા માટેની પ્રક્રિયા નક્કી કરી રહ્યું છે જેથી આ યોજનાનો ગેરલાભ અન્‍ય લોકો ન લઇ શકે.

(11:44 am IST)