મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

જમીન સંપાદન અંગેના ચુકાદામાં કેટલાક પ્રશ્નો અનુત્તરઃ જસ્‍ટીસ બોબડે

સરકારને ઢીલ આપતો છે આ ચૂકાદો

નવી દિલ્‍હી તા. ૨૯ : સુપ્રીમ કોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ એસ એ બોખડેએ જમીન સંપાદન કેસમાં આવેલ બંધારણીય બેંચના ચુકાદા પર સોમવારે પ્રશ્નો ઉઠાવ્‍યા છે. તેમણે મૌખિક રીતે કહ્યું હતું કે, જમીન સંપાદન કાયદા (ઇંદોર ડેવલપમેન્‍ટ ઓથોરીટી વિરૂધ્‍ધ મનોહરલાલ) ઉપર અપાયેલ ચુકાદામાં કેટલાક સવાલો અનુત્તરીત રહી ગયા છે. તેને તપાસવાની જરૂર છે.

કોર્ટે આ ચુકાદામાં બંધારણીય બેંચના સભ્‍ય રહી ચૂકેલા જજોની પણ સલાહ માંગી છે. સાથે જ સોલીસીટર જનરલ તુષાર મહેતાને પણ કહ્યું છે કે આ કેસમાં મદદ માટે તૈયાર રહે. જસ્‍ટિસ અરૂણ મિશ્રાની અધ્‍યક્ષતાવાળી બંધારણીય બેંચે આ ચુકાદો આ વર્ષે ૬ માર્ચે આપ્‍યો હતો. જસ્‍ટીસ મિશ્રા બે સપ્‍ટેમ્‍બરે રિટાયર થઇ ગયા હતા.

મુખ્‍ય ન્‍યાયાધીશની અધ્‍યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે કહ્યું કે, ચુકાદામાં સરકારને ઢીલ આપવામાં આવી છે. જ્‍યારે સંસદ સરકારને ઢીલ આપવા નહોતી માંગતી. તેમણે કહ્યું કે, પ્રશ્ન એ છે કે સરકાર જો વળતર ન ચુકવે અને જમીન પર કબ્‍જો લઇ લે તો આ સંપાદન ક્‍યાં સુધી ચાલુ રહે. તેની સીમા ક્‍યાં સુધી ચાલુ રહે. સરકાર પૈસા ક્‍યાં સુધી ન આપે અને સંપાદન ક્‍યાં સુધી રહે. સંસદે આના માટે પાંચ વર્ષનો સમયગાળો નક્કી કર્યો હતો. જો કબ્‍જો લઇ લેવાયો હોય અને વળતર ન આપવામાં આવ્‍યું હોય અથવા ખેડૂતે તે ન લીધું હોય તો આ ચૂકાદા એમ કહે છે કે સંપાદન કેન્‍સલ નહીં થાય. સવાલ એ છે કે જો વળતર ન લીધું હોય તો આ સંપાદન ક્‍યાં સુધી રદ નહીં થાય. સુપ્રીમ કોર્ટના તત્‍કાલિન જજ અરૂણ મિશ્રાની અધ્‍યક્ષતામાં પાંચ જજોની બેંચે ચુકાદો આપ્‍યો હતો કે જમીન સંપાદન કાયદો, ૧૮૯૪ હેઠળ સંપાદિત જમીનનું સંપાદન એ સ્‍થિતિમાં રદ્દ નહીં થાય જો સરકારે જમીનનું વળતર ટ્રેઝરીમાં જમા કરાવી દીધું હોય.

(11:46 am IST)