મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

મહિલાઓ દ્વારા ઓનલાઇન વેબસાઇટોમાંથી આંગળીના ટેરવાથી ઓનલાઇન આર્થીક ઉપાર્જન

કોરોનાથી આર્થીક મુશ્કેલીમાં ઘર સંભાળવાની સાથે બહેનો દ્વારા ઇ-કોમર્સ સાઇટોમાંથી વસ્તુઓનું વેચાણ

રાજકોટ તા. ર૯ : કોરોના કાળમાં લોકોની આર્થીક સ્થિતિ સંકળામણમાં છે. ખર્ચાઓ લોકો ઘટાડી રહ્યા છે. પણ આવકનો સ્ત્રોત મર્યાદીત છે. તેવામાં ઘરમાં મદદરૂપ થઇ શકાય તે માટે મહિલાઓ-યુવતીઓ-ગૃહણીઓ પણ વર્કીંગ વુમન બની છે અને એ પણ ''વર્ક ફ્રોમ હોમ'' દ્વારા.

હાલના સમયમાં લોકડાઉનને લોકોની જીવનશૈલી બદલી નાખી છે. અને તેમાં પણ મોબાઇલ, ટીવી, ઇન્ટરનેટ સહિતના માધ્યમોથી જ સમય પસાર કર્યો છે. તેવામાં અનલોક શરૂ થતા આર્થીક જરૂરીયાતો પુરી કરવા પણ ભારે મૂશ્કેલીઓ લોકોને પડી હતી. મહિલાઓ દ્વારા પહેલેથીજ નાના-મોટા ગૃહઉદ્યોગો ચાલી રહ્યા છે. ત્યારે ઓનલાઇનના જમાનામાં તેમણે પણ સમય સાથે તાલ મીલાવી આવક ઉભી કરવાનો સ્ત્રોત મેળવી લીધો છે.

હાલ ઘરે-ઘરે મહિલાઓ દ્વારા મોબાઇલમાંથી ઓનલાઇન વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેટ ઉપર અનેક વેબસાઇટો વેચાણ કરવાની સુવીધા આપે છે. જેમાં પેમેન્ટ પણ કેશ ઓન ડીલેવરી હોય છે.જેથી રોકાણ કરવાની મુંઝવણ પણ ઉભી નથી થતી.

આ વેબસાઇટો દ્વારા અનેક વસ્તુઓ જેવી કે કીચનવેર, મેન્સવેર, લેડીઝવેર, ચિલ્ડ્રનવેર, હાઉસ હોલ્ડ આઇટમ, ઇલેકટ્રોનીક આઇટમ્સની વિવિધ પ્રોડકટ ઉપલબ્ધ હોય છે. જેમાં વસ્તુ જોઇતી હોય તેવી ન આવી હોય, ડેમેજ હોય કે અન્ય કોઇ મૂશ્કેલી હોય તો રીટર્ન કરવાની વ્યવસ્થા પણ હોય જ છે. ઘણીવેબસાઇટ શીપીંગ ચાર્જપણ નથી લેતી હતી.

ઓનલાઇન વેબસાઇટમાં મેમ્બર બન્યા બાદ વસ્તુના વેચાણ ઉપર કમીશન મળે છે અને વેબસાઇટ દ્વારા આપવામાં આવતા ટાર્ગેટને પુરો કરવાથી ર થી પ ટકા જેટલા વધારાનું કમીશન પણ મળે છે આમ ઘરે બેઠા મહિલાઓ આંગળીના ટેરવેથી આવક રળી રહી છે.વસ્તુઓના વેચાણ માટે મહિલાઓએ પોતાના અલગ-અલગ વ્હોટ્સએમ ગ્રુપ પણ બનાવ્યા છે. જેમાં તેઓ વસ્તુના ફોટા, કિંમત અને વીડીયો મુકી અન્ય મહિલાઓને ખરીદી કરવા માટે વિકલ્પો પુરા પાડે છે.આજના ઝડપી અને ઓનલાઇન યુગમાં મહિલાઓ દ્વારા જમાના પ્રમાણે તાલ મિલાવી ઘર સંભાળવાની સાથે આર્થીક ટેકો પણ કરાઇ રહ્યો છે.

(3:20 pm IST)