મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

'ડ્રગ સિંડિકેટની એકિટવ મેમ્બર છે રિયા ચક્રવર્તીઃ હાઈ સોસાયટી સાથે છે સંબંધ'

ડ્રગની દાણચોરીઓ સામેલ છેઃ સુશાંત સહિતનાઓને સપ્લાઇ કરતી'તી : NCBએ રિયા ચક્રવર્તીએ બોમ્બે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીનો વિરોધ કર્યોઃ NCBની એફિડેવીટ

મુંબઇ, તા.૨૯: ડ્રગ કેસમાં તપાસ કરી રહેલા નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોએ  સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની જામીન અરજીનો વિરોધ કર્યો છે. NCBના જોનલ ડિરેકટર સમીર વાનખેડેએ આ એફિડેવિટમાં કહ્યું છે કે, તેમની પાસે ઘણા પુરાવા છે, જેનાથી તે સાબિત થઈ શકે છે કે રિયા ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ છે.

NCBએ આ એફિડેવિટમાં રિયા ચક્રવર્તીના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી કાઢવામાં આવેલી ચેટ અને મેસેજ રિકવર કર્યાનો ઉલ્લેખ કર્યો છે. અને તેનાથી જાણ થઈ છે કે, તેણે ડ્રગ્સ ખરીદવા માટે પેમેન્ટ કર્યું હતું. NCBએ તેમ પણ કહ્યું કે, રિયા ચક્રવર્તી જાણતી હતી કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લે છે, તેમ છતાં તેણે આ વાત છુપાવી અને તેને ડ્રગ્સ ઉપલબ્ધ કરાવ્યું. રિયાએ સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યું અને આટલું જ નહીં પોતાના ઘરમાં પણ છુપાવ્યું.

પોતાના એફિડેવિટમાં એનસીબીએ તેમ પણ કહ્યું છે કે, રિયા ચક્રવર્તીએ ડ્રગની ડિલિવરીને સરળ બનાવી અને તેના સંબંધ હાઈ સોસાયટીના લોકો સાથે રહ્યો છે. એફિડેવિટમાં આગળ કહ્યું છે કે, રિયા ચક્રવર્તી હાઈ સોસાયટી સાથે જોડાયેલા લોકો અને ડ્રગ સપ્લાયર્સના સિંડિકેટની એકિટવ મેમ્બર છે અને તેની વિરુદ્ઘમાં તેમની પાસે પૂરતા પુરાવા છે.

ઉલ્લેખનીય છે કે, ડ્રગ ચેટ કેસમાં NCBએ અત્યારસુધીમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક સિવાય સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાવંત સહિત દ્યણા આરોપીની ધરપકડ કરી છે. આ સિવાય ધર્મા પ્રોડકશન્સના પૂર્વ આસિસ્ટન્ટ ડિરેકટર ક્ષિતિજ પ્રસાદને પણ ઝડપી લેવામાં આવ્યો છે. આ સિવાય NCBએ આ મામલે અત્યારસુધીમાં શ્રુતિ મોદી અને જયા સાહા બાદ દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન અને શ્રદ્ઘા કપૂરની પૂછપરછ કરી હતી.

(4:05 pm IST)