મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય શિખર સંમેલનમાં કોરોના વાયરસ મુદ્દે ચીનનું નામ લીધા વગર તેના પર નિશાન તાક્‍યુઃ કહ્યુ-ભારત ઓસ્‍ટ્રેલિયા અને જાપાન સાથે સપ્‍લાયમાં વિવિધતા માટે કામ કરી રહ્યુ છે, આવા સમાન વિચારધારાવાળા દેશોનું સ્‍વાગત છે

નવી દિલ્હી: કોરોના વાયરસ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ પોતાના ડેનમાર્કના સમકક્ષ મેટે ફ્રેડરિકસેન સાથે ડિજિટલ દ્વિપક્ષીય શિખર સંમેલન દરમિયાન ચીનને લપેટામાં લીધુ. જો કે તેમણે કોઈનું નામ ન લીધુ પરંતુ તેમનો ઈશારો ચીન તરફ જ હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસે આપણને દેખાડી દીધુ છે કે વૈશ્વિક આપૂર્તિ માટે કોઈ એક પણ સ્ત્રોત પર નિર્ભરતા જોખમભરી છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે સપ્લાય ચેનમાં વિવિધતા લાવવા માટે કામ કરી રહ્યું છે અને આ પહેલામાં સામેલ થવા માટે સમાન વિચારધારાવાળા દેશોનું સ્વાગત છે.

ગંભીરતાથી વિચારવાની જરૂર

PM મોદીએ કહ્યું કે મહામારીએ કોઈ પણ એક સ્ત્રોત પર ગ્લોબલ સપ્લાય ચેનની અત્યાધિક નિર્ભરતામાં સામેલ જોખમને આપણી સામે લાવી દીધુ છે. આપણે આ દિશામાં ગંભીરતાથી વિચારવાની અને સાર્થક પગલું ભરવાની જરૂર છે. પીએમ મોદીનો આ ઈશારો સીધે સીધો ચીન તરફ હતો કારણ કે વૈશ્વિક આપૂર્તિનું નેતૃત્વ ચીન કરતું રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને સપ્લાય ચેનમાં લચીલાપણું લાવવા માટે એક સાથે આવવાની જાહેરાત કરી હતી.

ભેગા થવું પડશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારીને પહોંચી વળવા માટે સમાન વિચારધારાવાળા દેશોએ એકસાથે થવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે ભારતના પ્રયત્નોથી સમગ્ર દુનિયાને ફાયદો થશે. છેલ્લા કેટલાક મહિનાઓની ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે આપણા જેવા સમાન વિચારધારાવાળા દેશો, જે નિયમ-આધારિત, પારદર્શક, માનવીય અને લોકતાંત્રિક મૂલ્યપ્રણાલી શેર કરે છે તેમણે એક સાથે કામ કરવું પડશે.

દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ

ડેનમાર્કના પીએમ મેટ ફ્રેડરિકસેને કહ્યું કે શિખર સંમેલન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ છે અને રણનીતિક ભાગીદારી માટે માઈલ સ્ટોન સાબિત થશે. ભારત અને ડેનમાર્ક બીજા ભારત નોર્ડિક દેશોના શિખર સંમેલન માટે પણ સહમત થયા છે. આ પ્રકારનું પ્રથમ શિખર સંમેલન 2018માં સ્ટોકહોમમાં થયું હતું. નોંધનીય છે કે મહામારીના કારણે પીએમ મોદીની આ ચોથી વર્ચ્યુઅલ બેઠક હતી. આ અગાઉ ઓસ્ટ્રેલિયા, યુરોપીય સંઘ અને શ્રીલંકાના નેતાઓ સાથે વાતચીત થઈ ચૂકી છે.

(5:03 pm IST)