મુખ્ય સમાચાર
News of Wednesday, 29th September 2021

જાપાનના વડાપ્રધાન તરીકે કૂમિયો કિશિદાની પસંદગી

વેક્સિન મંત્રી તારો કોનો નિષ્ફળ રહ્યા : કિશિદા પાર્ટીના નેતા અને યોશીહિદે સુગાની જગ્યા લેશે

ટોક્યો, તા.૨૯ : જાપાનની સત્તારૂઢ પાર્ટી એલડીપીએ બુધવારે પૂર્વ વિદેશ મંત્રી ફૂમિયો કિશિદાને પોતાના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરી લીધા છે. સાથે જ આ શીર્ષ પદ માટે લડી રહેલા લોકપ્રિય વેક્સિન મંત્રી ૫૮ વર્ષીય તારો કોનોને સફળતા નથી મળી શકી. કિશિદા પાર્ટીના નિવર્તમાન નેતા અને વડાપ્રધાન યોશીહિદે સુગાની જગ્યા લેશે, જેમણે ગત સપ્ટેમ્બરમાં પદભાર ગ્રહણ કર્યા બાદ ફક્ત એક વર્ષની સેવા આપ્યા બાદ પદેથી રાજીનામુ આપી દીધું હતું.

પૂર્વ વિદેશ મંત્રી ફૂમિયો કિશિદા એક નરમ-ઉદારવાદી રાજનેતા તરીકે ઓળખાય છે. તેઓ ઘણા લાંબા સમયથી વડાપ્રધાન પદના દાવેદાર ગણાતા હતા. ૬૪ વર્ષીય ફૂમિયો કિશિદા એલડીપીના નીતિ પ્રમુખ તરીકે કાર્ય કરી ચુક્યા છે. તેઓ ૨૦૨૦ની પાર્ટી નેતૃત્વની રેસમાં યોશીહિદે સુગા સામે હારી ગયા હતા પરંતુ હવે તેમને સફળતા મળી ગઈ છે.

૫૮ વર્ષીય તારો કોનો જાપાનના પૂર્વ વિદેશ અને સંરક્ષણ મંત્રી છે. હાલ તેઓ કોવિડ-૧૯ વેક્સિનના પ્રભારી મંત્રી છે. જ્યોર્જ ટાઉન વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ પૂરો કરનારા અને ધારાપ્રવાહ અંગ્રેજી બોલવામાં સક્ષણ તારો કોનો યુવા મતદારો પર પકડ ધરાવે છે. જાપાનના વડાપ્રધાન પદની રેસમાં સામેલ ૪ ઉમેદવારોમાં ૨ મહિલાઓ પણ હતી. જો તેમાંથી કોઈ એક મહિલાને જીત મળી હોત તો તે જાપાનના પહેલા મહિલા વડાંપ્રધાન બન્યા હોત.

(7:47 pm IST)