મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

ભારતીય રેલવેનો પહેલો કેબલ બ્રિજ 193 મીટર ઊંચો : રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો : કેબલ બ્રિજનું 75 ટકાથી વધુ કામ પૂર્ણ : આ બ્રિજ રિયાસીને જમ્મુના કટરાથી જોડશે

કેબલ બ્રિજ અંજી નદી પર બનાવવામાં આવ્યો : પ્રોજેક્ટ પૂર્ણ થયે આ કેબલ બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં ઊંચો હશે

જમ્મુ : જમ્મુ અને કાશ્મીરના અંજી સેક્શનમાં બની રહેલ દેશનો પ્રથમ 193 મીટર ઉંચો કેબલ સ્ટેડ બ્રિજ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. સોમવારે રેલવે અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનો વીડિયો શેર કર્યો છે. જોકે બ્રિજ ક્યારે શરૂ થશે તેની માહિતી મંત્રીએ આપી નથી, પરંતુ બ્રિજનું મોટાભાગનું કામ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. કેબલ બ્રિજ અંજી નદી પર બનાવવામાં આવ્યો છે અને તે રિયાસીને જમ્મુના કટરાથી જોડશે.

મળતી માહિતી મુજબ, આ રેલ્વે બ્રિજનું લગભગ 318 મીટર ડેકનું કામ પૂર્ણ થઈ ગયું છે, જે લગભગ 77 ટકા છે. હવે અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. અંજી રેલ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) રેલ પ્રોજેક્ટનો એક ભાગ છે. પુલની કુલ લંબાઈ 473.25 મીટર છે અને તે 96 કેબલ દ્વારા જોડાયેલ છે. જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે તે પેરિસના એફિલ ટાવર કરતાં ઊંચો હશે. તે નદીથી 359 મીટરની ઉંચાઈ પર છે.

(10:56 pm IST)