મુખ્ય સમાચાર
News of Wednesday, 29th June 2022

રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જાતે કાર ચલાવીને માતોશ્રીથી રાજભવન પહોંચ્યા

સીએમ પદ છોડવાની સાથે તેમણે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડવાની જાહેરાત કરી

મુંબઈ : ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા આદેશમાં 30 જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા ઉદ્ધવે ફેસબુક લાઈવ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. સીએમ પદ છોડવાની સાથે તેમણે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડવાની જાહેરાત કરી હતી.

ફેસબુક લાઈવ પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ માતોશ્રીથી રાજભવન પહોંચ્યા હતા. આ દરમિયાન ઉદ્ધવ પોતે કાર ચલાવી રહ્યા હતા. ઉદ્ધવ સાથે આદિત્ય ઠાકરે પણ કારમાં હાજર હતા. ઉદ્ધવના આ પગલા પાછળ રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ પોતે કાર ચલાવીને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હવે આ કારની સાથે શિવસેનાની કમાન પણ તેમના હાથમાં છે.

(12:51 am IST)