મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

સેન્સેક્સમાં ૬૬ અને નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનો સામાન્ય કડાકો

ટેક મહિન્દ્રા-સન ફાર્માના શેરો ગિરાવટ અટકાવી ન શક્યા : બજાર મોટે ભાગના સમયમાં સીમિત દાયરામાં રહ્યા, નબળા વૈશ્વિક વલણને લીધે રોકાણકારોનું સતર્ક વલણ

મુંબઈ, તા.૩૦ : સ્થાનિક શેર બજારોમાં શુક્રવારે ગિરાવટ રહી અને માનક સૂચકાંક બીએસઈ સેન્સેક્સ ૬૬ પોઈન્ટ નીચે ગયો હતો. વૈશ્વિક બજારોમાં નબળી ધારણાની વચ્ચે કારોબાર સમાપ્ત થવાના થોડા સમય પહેલાં વિત્તિય અને ધાતુ શેરોમાં વેચવાલીથી બજારમાં નરમી આવી હતી.

ત્રીસ શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ ૬૬.૨૩ પોઈન્ટ એટલે કે ૦.૧૩ ટકાની ગિરાવટ સાથે ૫૨,૫૮૬.૮૪ પોઈન્ટ પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૫.૪૦ પોઈન્ટ એટલે કે ૦.૧૦ ટકા તૂટીને ૧૫,૭૬૩.૦૫ પોઈન્ટ પર બંધ થયો હતો. કારોબારીઓના અનુસાર કારોબાર દરમિયાન બજાર મોટે ભાગના સમયમાં સીમિત દાયરામાં રહ્યા. નબળા વૈશ્વિક વલણને લીધે રોકાણકારોએ સતર્ક વલણ અપનાવ્યું. યૂરોપિયન બજારોના નકારાત્મક દાયરામાં ખુલ્યા બાદ અહીં કારોબારના અંતિમ સમયે વેચવાલીનું દબાણ વધ્યું હતું.

સેન્સેક્સના શેરોમાં સર્વાધિક ૨.૫ ટકાથી વધુ નુકશાન બજાજ ફાઈનાન્સમાં રહ્યું. એ સિવાય ભારતીય સ્ટેટ બેંક, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ અને એક્સિસ બેંકમાં પણ મુખ્ય રીતે ગિરાવટ રહી. બીજી બાજુ સન ફાર્મા, ટેક મહિન્દ્રા, પપાવર ગ્રીડ, બજાજ ઓટો, એનટીપીસી અને એચસીએલ ટેક સહિત અન્ય શેર લાભમાં રહ્યા હતા. સન ફાર્માના શેરમાં ૧૦ ટકાનો ઊછાળો જોવા મળ્યો. કંપનીનો ચોખ્ખો નફો જૂનના ત્રણ માસમાં ૧,૪૪૪.૧૭ કરોડ રૂપિયા રહેવાના સમાચારથી આમાં તેજી આવી હતી.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિયોલ ભારે નુકસાન સાથે બંધ થયા હતા. યૂરોપના મુખ્ય બજારોમાં મધ્યાન કારોબારમાં ગિરાવટનું વલણ જોવા મળ્યું.

અમેરિકન ડોલરની સામે રૂપિયાનો વિનિમય દર ૧૩ પૈસા તૂટીને ૭૪.૪૨ પર બંધ થયો હતો. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ માનક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૧ ટકાની ગિરાવટ સાથે ૭૫.૮૯ પર આવી ગયું હતું. શેર બજારની પાસે ઉપલબ્ધ આંકડા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ગુરૂવારે મૂડી બજારમાં શુધ્ધ વેચવાલ રહ્યા. તેમમે ૮૬૬.૨૬ કરોડ રૂપિયાના મુલ્યના શેર વેચ્યા હતા.

(9:17 pm IST)