મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે રાજ કપૂર અને દિલીપકુમારના પૈતૃક મકાનોને નુકસાન

ભારે વરસાદને કારણે બંને મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા: કેટલાક ભાગોને નુકશાન

પાકિસ્તાનના પેશાવર શહેરમાં આવેલા દિગ્ગજ ભારતીય ફિલ્મ કલાકારો દિલીપ કુમાર અને રાજ કપૂરના પૈતૃક મકાનોને ભારે વરસાદથી નુકસાન થયું છે. પહેલેથી જ જર્જરિત હાલતમાં આવેલા આ મકાનોને તાજેતરમાં પાકિસ્તાન સરકાર દ્વારા તેના રક્ષણ હેઠળ લેવામાં આવ્યા હતા. સરકારે બન્ને દિગજ્જ કલાકારોના ઘરોને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા તેમજ તેમને તેમના સન્માનમાં સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા માટેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી

 સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે બંને મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમના કેટલાક ભાગોને નુકસાન થયું છે. ખૈબર પખ્તુનખ્વા પુરાતત્ત્વીય વિભાગે કિસા ખવાની બઝાર વિસ્તારમાં આવેલા આ બંને મકાનોના નવીનીકરણનું કામ હજી શરૂ કર્યું નથી. ચોમાસાના મુશળધાર વરસાદને કારણે ઇસ્લામાબાદ સહિત પાકિસ્તાનના ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.

 કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, જુલાઈના મધ્યથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 20 થી વધુ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, પેશાવર આ પ્રાંતની રાજધાની છે.

(10:14 pm IST)