મુખ્ય સમાચાર
News of Monday, 29th November 2021

પિન કોડ ભૂતકાળ બનશેઃ દરેક ઘરને હશે પોતાનો યુનિક ડિજિટલ એડ્રેસ કોડ

હવે તમારે એડ્રેસ માટે રામજી મંદિરની બાજુમાં અને ગ્લોબલ સ્કૂલની પાછળ એવું નહીં લખવું પડે : આ ડિજિટલ એડ્રેસ કોડથી કુરિયર બોય સીધો જ તમારા ઘરે પહોંચી શકશે અને ભૂલો નહીં પડે : ઓનલાઈન ફુડ ડિલિવરીથી લઈને બેંકિગ જેવી અનેક સુવિધાઓમાં આ ડિજિટલ કોડ ખૂબ જ મદદરૂપ થશે

નવી દિલ્હી,તા. ૨૯: આપણે દરેક વ્યકિત ઘરે ફૂડ પાર્સલ મગાવીએ કે પછી ટપાલ કે કોઈ કુરિયાર તેના માટે એડ્રેસ લખીએ છે જોકે તેમ છતા ઘણીવાર ડિલિવરી મેન કે પોસ્ટ મેનને જે તે એડ્રેસ શોધવામાં તકલીફ પડતી હોય છે. આમ તો આપણે ત્યાં એડ્રેસ લખવાની પણ એક અલગ જ કળા છે. જેમાં લોકો પોતના ઘરનું નામ સાથે આજબાજુના ચિન્હો જેવા કે કોઈ સ્કૂલ કે પછી મંદિર વગેરેની આગળ પાછળ કે બાજુમાં હોવાનો ઉલ્લેખ કરે છે. જેમ કે બ્લોક નંબર-૧૨, વૃન્દાવન, ગ્લોબલ સ્કૂલની બાજુમાં, રામજી મંદિરની સામે... આજે મોટાભાગના એડ્રેસમાં આ પ્રકારની લાઈનો જેવા મળે છે. તેમાં સાથે પીન કોડ પણ હોય જ છે.

પરંતુ આપણી એડ્રેસ લખવાની આ સ્ટાઈલ કદાચ ભૂતકાળ બની શકે છે. તેમાં પણ ડિલિવરી એપ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તો સરનામું લખવા સાથે પિનકોડ લખ્યો હોવા છતાં ડિલિવરી બોય ભૂલો કરે છે. જોકે, દેશના દૂરસંચાર મંત્રાલય હેઠળ કાર્યરત પોસ્ટ વિભાગ હવે આ બધું બદલવાની તૈયારીમાં છે.

હવે દરેક રાજય, શહેર-ગામ, શેરી અને ઘરને ધ્યાનમાં રાખીને એક યુનિક કોડ તૈયાર કરાઈ રહ્યા છે, તે પણ ડિજિટલ. આ ડિજિટલ કોડ તમારા પિન કોડનું સ્થાન લેશે. આ કોડ ૧૨ ડિજિટનો હશે. આ ડિજિટલ એડ્રેસ કોડ (ડીએસી) દરેક ઘર માટે ડિજિટલ કો-ઓર્ડિનેટરનું કામ કરશે. હવે સેટેલાઈટ ફકત ડીએસી થકી દરેક ઘરનું ચોક્કસ લોકેશન જણાવશે. આ સેવાથી કોઈ પણ સર્વિસ ખૂબ સરળતાથી તમારા ઘર સુધી પહોંચશે. આ માટે તમારે ફકત તમારો ડિજિટલ કોડ જ લખવાનો રહેશે. આ મુદ્દે પોસ્ટ વિભાગે સૂચનો મંગાવ્યા હતાં, જેની સમયમર્યાદા ૨૦ નવેમ્બરે પૂરી થઈ ગઈ છે. હાલ ભારતમાં ૩૫ કરોડ મકાન છે, જયારે વેપારી અને અન્ય મકાનો મળીને કુલ ૭૫ કરોડ મકાન છે. ભવિષ્યમાં દેશમાં મકાનોની સંખ્યા ૧૦૦ કરોડ થશે, તો પણ તમામને ૧૨ ડિજિટના કોડ ફાળવી શકાશે.

દેશમાં અનેક સંવેદનશીલ મકાન છે, જેમાં પરમાણુ સંસ્થાઓ કે ગુપ્તચર સંસ્થાઓની ઓફિસો છે. આ તમામ સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ હોવાથી તેમને ડિજિટલ એડ્રેસ કોડ નહીં અપાય. તેમને નેબરહુડ કોડ કે સિટી કોડ સાથે કનેકટ કરાશે. નવી વ્યવસ્થામાં દરેક મકાનનો અલગ કોડ હશે. એટલે કે જો એક બિલ્ડિંગમાં ૫૦ ફ્લેટ હશે તો દરેક ફ્લેટનો અલગ કોડ રહેશે. જો બે માળના એક મકાનમાં બે પરિવાર રહેતા હશે, તો તેમને પણ બે કોડ અપાશે.

પોસ્ટ વિભાગની આ યોજનાનો હેતુ ચોક્કસ મકાનમાં જ ડિલિવરી કરવાનો છે. જે પ્લેટફોર્મ્સ ડિજિટલ મેપ થકી ડિલિવરી સરનામું શોધે છે, તેમને ડીએસી થકી ચોક્કસ લોકેશન મળશે. દરેક ઘરનું ઓનલાઈન એડ્રેસ વેરિફિકેશન કરાશે. બેંકિંગ, વીમા-ટેલિકોમ માટે સરનામાનું પ્રમાણ નહીં આપવું પડે, જે એક રીતે ઈ-કેવાયસી તરીકે કામ કરશે. મિલકતો, કરવેરા, ઈમર્જન્સી મેનેજમેન્ટ, ચૂંટણી, વસતી ગણતરી બધામાં તેનાથી લાભ મળશે.

(9:59 am IST)