મુખ્ય સમાચાર
News of Monday, 29th November 2021

પૈગંબર મોહમ્મદ સાહેબનું ચિત્રણ કરેલું પુસ્તક વહેંચાતા સિરિયામાં હંગામો

તુર્કીના શિક્ષણ મંત્રાલયે પુસ્તકો વિતરિત કર્યા : પુસ્તકોમાં પૈગંબર મોહમ્મદ સાહેબ ની તસવીરો જોઈને લોકો ઉકળી ઉઠ્યા હતા, કેટલાકે તે પુસ્તકો સળગાવી દીધા

નવી દિલ્હી, તા.૨૯ : તુર્કીના શિક્ષણ મંત્રાલયે ઉત્તરી સીરિયામાં કેટલાક પુસ્તકો વિતરિત કર્યા હતા જેને લઈ હંગામો મચ્યો છે. હકીકતે ધાર્મિક પાઠ્યપુસ્તકો માટે કહેવામાં આવે છે કે, તેમાં પૈગંબર મોહમ્મદ સાહેબનું ચિત્રણ કરેલું છે. સીરિયાના જે ક્ષેત્રમાં પુસ્તકો વિતરિત કરવામાં આવ્યા, તેઓ પુસ્તકોમાં પૈગંબર મોહમ્મદ સાહેબની તસવીરો જોઈને ઉકળી ઉઠ્યા હતા અને ત્યાં રહેતા કેટલાક લોકોએ તે પુસ્તકો સળગાવી દીધા હતા.

એક રિપોર્ટ પ્રમાણે કુરાનમાં પૈગંબર મોહમ્મદ સાહેબના ચિત્રણ પર સ્પષ્ટપણે પ્રતિબંધ નથી લગાવાયેલો પરંતુ અનેક મુસલમાનો આવા ચિત્રણને ઈશનિંદા તરીકે જોવે છે. ફ્રાંસમાં થોડા વર્ષો પહેલા એક કટ્ટરપંથીએ એક પ્રોફેસરને એટલા માટે મારી નાખ્યો હતો કારણ કે, તેમણે પોતાના ક્લાસમાં પ્રખ્યાત ફ્રેન્ચ મેગેઝીન શાર્લી હેબ્ડોનું પૈગંબર પર બનેલું કાર્ટૂન બતાવ્યું હતું. તુર્કીના શિક્ષણ મંત્રાલય દ્વારા ધાર્મિક પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે. પુસ્તક ખાસ રીતે સીરિયાના અમુક વિસ્તારોમાં રહેતા બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ધાર્મિક પુસ્તકમાં કેટલીક એવી તસવીરો હતી જેને તે વિસ્તારના લોકો ઈશનિંદા તરીકે જોવે છે.

પુસ્તકની એક તસવીરમાં એક દાઢીવાળી વ્યક્તિએ પિંક સ્વેટર અને પેન્ટ પહેરેલું છે. તે શખ્સ વાંકો વળીને પોતાની દીકરીને ઉંચકે છે અને તેને સ્કુલ બસમાં ચડાવવાનો પ્રયત્ન કરે છે. પેજનું ટાઈટલ છે- પૈગંબર મોહમ્મદ સાહેબ પોતાની દીકરી ફાતિમા સાથે. જોકે હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થઈ શક્યું કે, તે હેડલાઈન તસવીર માટે હતી કે, પુસ્તકના પાના પર લખવામાં આવેલા કન્ટેન્ટ માટે તે ટાઈટલ લખવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા કેટલાક ફુટેજ પ્રમાણે તુર્કીની સરહદ પાસેના જારાબ્લસ ખાતે રહેતા લોકોએ પુસ્તકની તમામ પ્રત સળગાવી દીધી છે.

(7:12 pm IST)