મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

સંસદમાં ચર્ચા ન થવા દેવાનો અર્થ સરકાર ડરે છે : રાહુલ ગાંધી

કૃષિ કાયદા વાપસી બિલ પર વિપક્ષનો હંગામો : સરકારના મગજમાં કન્ફ્યુઝન છે, સરકાર વિચારે છે કે, ખેડૂતો, મજૂરો અને ગરીબોને દબાવી શકાશે : કોંગ્રેસ

નવી દિલ્હી, તા.૨૯ : સંસદના શીતકાલીન સત્રના પહેલા દિવસે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદાઓની વાપસીના બિલ પર ચર્ચાની માગણીને લઈ જોરદાર હંગામો મચાવ્યો હતો. હંગામા વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા વગર બંને સદનોમાં કૃષિ કાયદાઓની વાપસીનું બિલ પાસ કરી દેવામાં આવ્યું. બિલ પાસ થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો-મજૂરોની સફળતા છે, દેશની સફળતા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જે રીતે કાયદા રદ્દ કરવામાં આવ્યા, સંસદમાં ચર્ચા થવા દીધી, બતાવી આપે છે કે, સરકાર ડિસ્કશન કરવાથી ડરે છે. બતાવી આપે છે કે, તેમણે ખોટું કામ કર્યું. જે ખેડૂતો શહીદ થયા તેમના વિશે ચર્ચા થવાની હતી. કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવાની હતી, લખીમપુર ખેરી અંગે પણ ડિસ્કશન કરવાનું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારના મગજમાં કન્ફ્યુઝન છે. સરકાર વિચારે છે કે, ખેડૂતો, મજૂરો અને ગરીબ લોકોને દબાવી શકાશે. રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કૃષિ કાયદાઓ ખેડૂતો પરના આક્રમણ સમાન હતા. ખેડૂતોની મુશ્કેલીઓની યાદી લાંબી છે જેમાં સ્જીઁ અને દેવામાફીનો પણ સમાવેશ થાય છે તથા અમે તેને સમર્થન આપીએ છીએ.

રાહુલ ગાંધીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, જ્યારે કૃષિ કાયદાની વાપસી માટે બિલ લઈ આવ્યા, વડાપ્રધાને માફી માગી લીધી તો ચર્ચા કરવાની જરૂર શું છે. ત્યારે જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તો પછી સંસદની જરૂર પણ શું છે. વડાપ્રધાને કહ્યું અને સૌએ માની લીધું. વડાપ્રધાન મોદીએ જે કહેવું છે તે કહે, જે કાયદા બનાવવા છે તે બનાવે. જો કશું ખોટું નથી થયું તો વડાપ્રધાને માફી શા માટે માગી? રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે તેમણે ખેડૂતોનું અપમાન કર્યું છે. વડાપ્રધાને પોતાના નિવેદનમાં ગ્રુપ ઓફ ફાર્મર્સ એવું કહ્યું હતું. ગ્રુપ ઓફ ફાર્મર્સ નહીં પણ આખા દેશના ખેડૂતો છે.

(12:00 am IST)