મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી વિશ્વભરમાં ફફડાટ:જાપાને વિદેશીઓ માટે સરહદોને બંધ કરી

સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથે રસીકરણ પર આધારિત મુસાફરીની સુવિધા સ્થગિત કરી : ઈઝરાયેલે રવિવારની મધરાતથી પ્રતિબંધ લાગુ કર્યો : ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાના દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા

નવી દિલ્હી : કોરોના વાઇરસ બાદ હવે તેના વિવિધ વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવે તેવી શક્યતાઓ છે. હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના અનેક કેસો વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળી રહ્યા છે. જેને પગલે હવે વિશ્વ આરોગ્ય સંસૃથાએ પણ આ વેરિઅન્ટને વિશ્વ માટે ખતરો ગણાવ્યા છે અને દેશોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

ઓમિક્રોન 13 દેશોમાં પહોંચી ચુક્યો છે. આ ખતરાને જોતા કેન્દ્ર સરકારે નવા દિશા-નિર્દેશમાં કહ્યું છે કે, ઓમિક્રોન પ્રભાવિત દેશોમાંથી મુસાફરોને ભારત પહોંચતા જ ફરજિયાતપણે કોરોના ટેસ્ટની સાથે સાથે સાત દિવસ કોરોન્ટાઈન રહેવું પડશે.

બીજી બાજુ જાપાનથી સોમવારે વિદેશીઓ માટે પોતાની સરહદોને બંધ કરવાની જાહેરાત કરી હતી. દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ઓમિક્રોનના કારણે ઈઝરાઈલ બાદ સૌથી કડક પગલા ઉઠાવ્યા છે. જાપનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ કહ્યુ છે કે, અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતીને રોકવા માટે જાપાન મંગળવારે સાવચેતીના ભાગ રૂપે વિદેશીઓ માટે પોતાની સરહદ બંધ કરી દેશે.

ઓમિક્રોન વિશે સ્પષ્ટ જાણકારી ન મળવા સુધી તેમણે ઉપાય જરૂરી બતાવ્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તમામ સભ્ય દેશોને ચેતવ્યા છે કે ઓમિક્રોનના અમુક વિસ્તારોમાં ગંભીર પરિણામ આવી શકે છે અને તેના આંતરરાષ્ટ્રીય સ્તર પર ફેલાવાની આશંકા છે.

સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથે રસીકરણ પર આધારિત મુસાફરીની સુવિધાઓને સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ઈઝરાયેલે રવિવારની મધરાતથી પ્રતિબંધ લાગુ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને, જેમણે દક્ષિણ આફ્રિકાના દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે, તેમણે કહ્યું કે, માહિતીના આધારે સમજદારીપૂર્વક નિર્ણય લેવામાં આવશે.

WHO સભ્યોને ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા જૂથોના રસીકરણને ઝડપી બનાવવા અને આવશ્યક આરોગ્ય સેવાઓની પહોંચ જાળવી રાખવા વિનંતી કરી છે

(10:54 pm IST)